કલોલ શહેરમાં 15 વર્ષ બાદ ભાજપે ઝળહળતો વિજય હાંસલ કર્યો છે. આ વિજયને વધાવતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને વિજેતા ઉમેદવાર સાથે કાર્યકરોએ રેલી યોજી હતી. આ રેલી કલોલના માર્ગો ઉપર ફરી ભારત માતાકી જયના ઘોષ સાથે લોકોએ વિજેતા ઉમેદવારને વધાવી લીધા હતા.
આ સંદર્ભે પ્રાપ્ત થતી વિગતો અનુસાર કલોલની રસાકસી ભરી બની રહેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર લક્ષ્મણજી પુંજાજી ઠાકોર ઉર્ફે બકાજી એ ભવ્ય વિજય હાંસલ કર્યો છે. આ કલોલ ની સીટ ઉપર છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસનું શાસન હતું. ત્યારે કોંગ્રેસના શાસનને ઉખાડી ફેંકી ભાજપના ઉમેદવાર લક્ષ્મણજી પુંજાજી ઠાકોરે ભવ્ય વિજય હાંસલ કર્યો હોઈ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ હતો.
અને આ ઉત્સાહ અને જાહેર જનતાનો આભાર માનવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કલોલ ભાજપના મધ્યસ્થ કાર્યાલયથી બપોરના સમયે આ રેલી શરૂ થઈ હતી. વાહન રેલીમાં ખુલ્લી જીપમાં વિજેતા ઉમેદવાર લક્ષ્મણજી પુંજાજી ઠાકોર કલોલના માર્ગો ઉપર ફરીને લોકોનું અભિવાદન લીધું હતું.
અને જનતાએ પણ તેમને માર્ગમાં ઠેર ઠેર સન્માન કરીને શુભકામનાઓ પાઠવી હતી. કલોલના જાહેર માર્ગ ઉપર રેલી ફરતા વેપારીઓ તેમજ જનતા દ્વારા વિજેતા ઉમેદવારનું સન્માન કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આગેવાનો અને કલોલના નાગરિકો જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.