'આપ'માં ટિકિટનો વિવાદ:કલોલ બેઠક પર 'આપ'એ કાંતિજી ઠાકોરને ટિકિટ આપતા કાર્યકરોમાં રોષ, કહ્યું-'આતો ઓઇલ ચોર છે'

કલોલએક મહિનો પહેલા

ચૂંટણીનું રણ સિંગું ફૂંકાઈ જતા ગાંધીનગર જિલ્લાનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક કબજે કરવા મહત્વના રાજકીય પક્ષો રણનીતિ નક્કી કરી રહ્યા છે. એવામાં આમ આદમી પાર્ટીએ ગાંધીનગર જિલ્લાની કલોલ વિધાનસભા બેઠક પરથી હાજીપુરના કાંતિજી ઠાકોરને ટિકિટ આપતા બખેડો ઊભો થઈ ગયો છે અને સ્થાનિક કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આપના કાર્યકરે કહ્યું-કાંતિજી ઠાકોર તો, ઓઇલ ચોર છે
આમ આદમી પાર્ટીએ કલોલ વિધાનસભા બેઠક પરથી કાંતિજી ઠાકોરનું નામ જાહેર કર્યું. તો બીજી બાજુ આ નામના કારણે પક્ષમાં સ્થાનિક કાર્યકરોમાં નારાજગી ઊભી થઈ ગઈ છે. સ્થાનિક કાર્યકરોના કહેવા પ્રમાણે કાંતિજી ઠાકોરની છબી કલંકિત હોવાના કારણે કાંતિજી ઠાકોર તો ઓઇલ ચોર છે. આમ આદમી પાર્ટી એક ઈમાનદાર પાર્ટી હોવાના કારણે આવા ઉમેદવારોનું નામ કયા સંજોગોથી જાહેર થયું એ બાબતે અનેક અટકળોએ જોર પકડ્યું છે. ઉલ્લેખનીય છે કે, કલોલ વિધાનસભાની સીટ માટે આમ આદમી પાર્ટી દ્વારા કલોલના કોઈપણ કાર્યકરની સેન્સ પણ લીધી નથી.

ત્રણ દિવસ પહેલા જ જોડાયેલા ઉમેદવારને ટિકિટ આપી છે
વધુમાં આમ આદમી પાર્ટીના સંયોજક ચિંતન ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું કે, 38 કલોલ વિધાનસભાના આમ આદમીના કાર્યકરો, હોદ્દેદારો જેઓ છેલ્લા બે વર્ષથી સતત ગ્રાઉન્ડ લેવલે આમ આદમી પાર્ટી માટે મહેનત કરી રહ્યા છે. રાત દિવસ જોયા વગર પોતાના સ્વખર્ચે મહેનત કરી રહ્યા છે. એવા કાર્યકરોની સેન્સ લીધા વગર, અભિપ્રાય જાણ્યા વગર અચાનક જ કાંતિજી ઠાકોરનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. કાંતિજી ઠાકોર ત્રણ દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને એવા ઉમેદવારને આમ આદમી પાર્ટી ટિકિટ આપી છે.

કાંતિજી ઠાકોર પોતે કલંકીત છબી ધરાવે છે‌
પણ હાજીપુર વાળા કાંતિજી ઠાકોર જે પોતે કલંકીત છબી ધરાવે છે‌. જેમની છબી વિશે કાર્યકરોએ ઊંડી તપાસ કરતા કાર્યકરોના પોતે ધ્યાને એવું આવ્યું કે, ઓઇલ ચોરીના આરોપમાં કાંતિજી ઠાકોર જેલવાસ પણ ભોગવીને આવેલા છે. જ્યારે રાષ્ટ્રીય સંપતિની ચોરીનો આરોપ જે વ્યક્તિ ઉપર લાગતો હોય એવાને આમ આદમી પાર્ટી વિધાનસભાની ટિકિટ આપીને મોટી ભૂલ કરી રહી છે.

કાંતિજી ઠાકોરનું નામ રદ કરી નવા ઉમેદવાર માટે માગ
આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલના વિચાર પ્રમાણે ભ્રષ્ટાચાર આમ આદમી પાર્ટીમાં થશે તો સૌ પ્રથમ ભ્રષ્ટાચાર વિરુદ્ધ પગલા અમે જાતે લઈશું. તો કલોલ વિધાનસભાના ઉમેદવાર કાંતિજી ઠાકોર તો જેલવાસ પણ ભોગવીને આવેલા છે. માટે આવા ઉમેદવારને ટિકિટ આપી વર્ષોથી વળગી રહેલા કાર્યકરોને સાઈડમાં મુકી કાર્યકરોના ગાલ ઉપર એક તમાચો છે. આમ આદમી પાર્ટી ઈમાનદાર પાર્ટી તરીકે પાર્ટી ઉપર પણ તમાચો છે. માટે અમે આ ઉમેદવારનો સખત રીતે વિરોધ કરીએ છીએ. માટે આ ઉમેદવારને કલોલ વિધાનસભા બેઠક ઉપરથી રદ કરી નવા કોઈ ઉમેદવાર માટે અમે માંગણી કરીએ છીએ.

કાંતિજી ઠાકોરે કહ્યું- 'હું ફોન પર નહીં જણાવું રૂબરૂ જ જણાવીશ'ૉ
જેના અનુસંધાને કલોલ વિધાનસભા બેઠક ઉપરના આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરોએ એક અરજી બનાવીને પ્રદેશ કાર્યાલય રજૂઆત કરીશું અને તેમ છતાં જો આ ઉમેદવાર પાછો નહીં ખેંચાય તો પ્રદેશ કાર્યાલયની સામે ધરણા પણ કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી. જેથી આ બાબતે કાંતિજી ઠાકોરને પૂછવામાં આવતા તેમને જણાવ્યું કે, આ બાબતની જાણકારી જોઈતી હોય તો આપ ખાત્રજ ચોકડી ઉપર રૂબરૂ મને મળો તો આપને જણાવું. ફોન ઉપર જાણકારી આપીશ નહીં તેમ કહીને તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...