કલોલનો યુવક અંગત કામ માટે પોતાનું બાઈક લઈને ચાંદખેડા જવા નીકળ્યો હતો. જ્યારે તે કલોલ જાસપુર પાસેથી નીકળી રહ્યો હતો ત્યારે સફેદ કલરની ગાડી આવી અને યુવકને રોક્યો હતો. ગાડીમાંથી ત્રણ બુકાનીધારીઓ નીચે ઉતર્યા અને લોખંડની પાઇપ વડે યુવકને મારવા લાગ્યા હતા. આ મારપીટમાં યુવકના બંને પગ અને હાથ ફ્રેક્ચર થઈ ગયા છે.
બુકાનીધારીઓ હાથમાં લોખંડની પાઇપો લઈને ઉતર્યા
કલોલના અનમોલ રેસિડેન્સીમાં રહેતો શૈલેન્દ્રસિંહ ગોકુળસિંહ સોઢા સવાર 8:30 વાગ્યે પોતાનું સ્પ્લેન્ડર બાઇક લઈને મિત્ર મુકેશ ગોસ્વામીને ચાંદખેડા લેવા માટે નીકળ્યો હતો. શૈલેશ ચાંદખેડા જવા માટે જાસપુર વાળા રોડ પરથી નીકળ્યો હતો. ત્યારે જાસપુર અંબિકા ફાર્મની નજીક પાછળથી સફેદ કલરની શિફ્ટ ડિઝાયર કાર આવીને શૈલેન્દ્રને બાઈક ઊભું રાખવા કહ્યું. શૈલેન્દ્રએ બાઈક ઊભું રાખ્યું અને કારમાંથી ત્રણ બુકાનીધારીઓ હાથમાં લોખંડની પાઇપો લઈને ઉતર્યા હતા.
પગના ભાગે લોખંડની પાઇપો મારતા રહ્યા
આ જોઈને શૈલેન્દ્ર ખેતર તરફ ભાગવા લાગ્યો. ત્રણેય ઈસમોએ લોખંડની પાઇપ લઈને શૈલેન્દ્રનો પીછો કરવા લાગ્યા. તેમણે શૈલેન્દ્રને પકડી લીધો અને તેના ઢીંચણે પાઈપોથી ફટકા મારવા લાગ્યા. ઈસમોએ મોઢે કપડું બાંધેલું હતું તેમજ અવારનવાર તેઓ કહેતા હતા કે 'ધમા'નું નામ લઈશ તો તને જીવતો પણ નહીં રાખીએ. 'ધમા'નું નામ લઈશ તો તારી સાથે આવું જ થશે તેમ બોલતા રહ્યા અને પગના ભાગે લોખંડની પાઇપો મારતા રહ્યા. ત્યારબાદ તેમની સ્વિફ્ટ ડિઝાયર કારમાં તેઓ પાછા જતા રહ્યા.
ઝઘડો જોનાર વ્યક્તિ શૈલેન્દ્રની મદદ આવ્યા
શૈલેન્દ્રસિંહ સોઢા 'ધમા'ને ઓળખે છે પરંતુ તે મારવા આવેલા ચાર વ્યક્તિઓને તે ઓળખી શક્યો નહોતો કારણ કે તેઓ મોઢા પર કપડું બાંધીને આવ્યા હતા. આ ઝઘડો જોનારા એક વ્યક્તિ શૈલેન્દ્રની મદદ આવ્યા હતા. તેમણે મોબાઈલથી 108 બોલાવી અને કલોલની ખાનગી હોસ્પિટલમાં શૈલેન્દ્રને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. એક્સ-રે અને રિપોર્ટ કરાવ્યા બાદ શૈલેન્દ્રને હાથની આંગળીઓ તેમજ બંને પગના ભાગે ફ્રેકચર થયું હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. તમામ આરોપીઓ સામે સાંતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.