કલોલ પંથકમાં વધી રહેલા ચોરીના બનાવના પગલે નગરજનો ચિંતીત બન્યા છે. અવાર નવાર વાહનચોરી ત્યારબાદ ઘરફોડ ચોરી અને હવે સોનાના દોરાની ચીલઝડપ થતા લોકોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ હાઇવે પર આવેલ ઉમિયા રેસીડેન્સીમાં રહેતા રાધેશ્યામભાઇ છોટેલાલ પાલ વામજ ખાતે આવેલ પ્રાઇવેટ કંપનીનમાં નોકરી કરી પોતાના પરિવારનુ ગુજરાન ચલાવે છે. જેઓ ગત તારીખ 28 મે ના રોજ સાંજે 06:30 કલાકે તેમના ધર્મપત્ની નીશાદેવી સાથે ચાલવા નીકળ્યા હતા.
ચાલતા ચાલતા કે.આઇ.આર.સી. રોડ થી ગાયત્રી મંદિર તરફ જતા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે ગોવર્ધન સોસાયટીની સામેથી જઇ રહ્યા હતા. તે દરમિયાન તેમના પાછળ થી આવી રહેલા એક ટુ-વ્હિલર મોપેડ ચાલકે તેમની પત્નીના ગળામાં પહેરેલ સોનાનો દોરો ઝુંટવી હાઇવે તરફ ભાગી છુટ્યો હતો.
બનાવના પગલે દંપતીએ બુમાબુમ કરી હતી. પણ પલભરમાં મોપેડ ચાલક રૂ.60000 કિંમતનો 16 ગ્રામ સોનાનો દોરો લઇ પલાયન થઇ ગયો હતો. આ અંગે રાધેશ્યામભાઇએ તારીખ 1 જુનના રોજ કલોલ શહેર પોલીસ મથકમાં ફરીયાદ નોધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.