કલોલ રેલવે પૂર્વમાં રહેતા સંજય કુમાર અમૃતલાલ ચાવડા જેઓ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરીને પોતાનું ગુજરાત ચલાવે છે. જેઓએ જે તે સમયે ટુકડે ટુકડે કરીને 19 લાખ રૂપિયા 3% વ્યાજ ઉપર લીધા હતા. જેના તેમને ટુકડે ટુકડે 36 હપ્તા કરીને ટોટલ 29 લાખ 52 હજાર રૂપિયા ચૂકવ્યા હોવા છતાં પણ વ્યાજખોરો વધુ પૈસાની માંગણી કરી અવારનવાર હેરાન પરેશાન કરતા હોવાથી કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરોથી ત્રાસીને ફરિયાદ દાખલ કરાઈ હતી.
2 લાખ રૂપિયા 3 ટકાના વ્યાજે નક્કી કરાયા
કલોલ રેલવે પૂર્વેમાં રહેતા સંજય કુમાર અમૃતભાઈ ચાવડા જેવો મૂળ કલોલ નગરપાલિકા તેમજ દેહગામ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જુલાઈ 2019માં ધંધાના કામ અર્થે તેઓ તેમજ તેમના ભાગીદાર દીપકભાઈ નારણભાઈ વસૈયા રેલવે પૂર્વે રહેતા રાજેશભાઈ નટવરભાઈ સેગલ પાસે પૈસાની માંગણી કરી હતી. જેથી રાજેશભાઈ તેમને દીવડા તળાવમાં રહેતા વીણાબેન મહેશભાઈ પરમાર તેમજ મહેશભાઈ દિનેશભાઈ પરમારના ઘરે લઈ ગયા હતા. જ્યાં આ ત્રણેય જણાયે ભેગા મળીને સૌપ્રથમ 2 લાખ રૂપિયા 3 ટકાના વ્યાજે નક્કી કરીને આપ્યા હતા.
પરિવારનો વિચાર આવતા તેઓ કેનાલેથી પરત ફર્યા હતા
આ કોન્ટ્રાક્ટરોને ધંધાના કામ અર્થે વધુ પૈસાની જરૂર પડતા આ વ્યાજખોરો પાસેથી ટુકડે ટુકડે કરીને કુલ 19 લાખ રૂપિયા 3%ના વ્યાજ ઉપર સંજય કુમાર અમૃતભાઈ ચાવડાએ તેમજ તેમના ભાગીદાર મિત્ર બંનેએ લીધા હતા. નગરપાલિકાના કોન્ટ્રાક્ટના કામના તેમને પૈસા આવી જતા તેમણે ટુકડે ટુકડે કરીને 36 હપ્તા ભરી કુલ લીધેલ રકમની સામે 29,52,000 રૂપિયા જમા પણ કરાવી દીધા હતા. તેમ છતાં આ વ્યાજખોરોની માંગણીઓ ચાલુને ચાલુ જ હતી. આ વ્યાજખોરો સંજયભાઈ ચાવડાને માનસિક તેમજ શારીરિક હેરાન પરેશાન કરતા હોવાથી તેઓએ કંટાળીને આત્મહત્યા જેવું આખરી પગલુંભરવાનો પણ નિર્ણય કરી લીધો હતો. પણ આખરે પરિવારનો વિચાર આવતા તેઓ કેનાલેથી પરત ફર્યા હતા અને આત્મહત્યા જેવો આખરી નિર્ણય પણ ટાળીને તેઓ આ વ્યાજખોરો પાસે સમાધાનની વાતો ચલાવતા હતા.
આખરે ત્રણેય વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
સમાધાનની વાતો ચાલતી હોવાથી સંજયભાઈ ચાવડાએ કોઈ ફરિયાદ આ વ્યાજખોરો વિરુદ્ધ નોંધાવી ન હતી. પણ આજથી અંદાજિત એક અઠવાડિયા પહેલા સંજયભાઈ ચાવડા તેમજ તેમના ભાગીદાર દીપકભાઈ બંને જણા બાઈક લઈને કલોલ અનાજ માર્કેટ પાસેથી પસાર થતા હતા. તે સમયે આ વ્યાજખોરોએ તેમને રસ્તા ઉપર મળી વ્યાજ સહિત પૈસાની માંગણી કરી હતી. તેમજ જેમ ફાવે તેમ અપશબ્દો પણ બોલવા લાગ્યા હતા.ત્યારે વ્યાજખોરોએ એવી પણ ધમકી આપી હતી કે, તમે બંને જણાને અન્ય કોઈ ગુનામાં પણ ફસાવી દઈશું અને જાનથી મારી નાખીશું. આવી ધમકીઓથી આખરે કંટાળીને આ ત્રણેય વિરુદ્ધ કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.