એકજ પરિવારના બે ભાઈઓ આમને સામને:બોરીસણામાં જમીનના આવેલા પૈસા બાબતે બોલાચાલી થઈ; નાનાભાઈએ ઉશ્કેરાઈ મોટાભાઈને લોખંડની પાઇપ ફટકારી

કલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોરીસણા ગામમાં રહેતા મુકેશ શીવાભાઈ વાલેરા પોતાના ભાઈ સુરેશ સેવાભાઈ વાલેરા સાથે જમીનના પૈસા બાબતે વાતચીત કરતા હતા. સુરેશ ઉશ્કેરાઈ જતા મુકેશને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી ડાબા હાથે તેમજ કપાળના ભાગે લોખંડની પાઇપ વડે ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે ફરિયાદ દાખલ કરાતા કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પૈસા બાબતે નાનાભાઈએ મોટાભાઈને ફટકાર્યો
બોરીસણા ગામમાં રહેતા વાલેરા પરિવારના બંને ભાઈઓ જમીનના આવેલા પૈસા બાબતે લોખંડની પાઇપ લઈને આમને સામને આવી ગયા હતા. આજરોજ એટલે કે, તા.13 ડિસેમ્બરના સવારના 9 વાગ્યાની આસપાસ મુકેશ શીવાભાઈ વાલેરા તેમની મમ્મીની ખબર કાઢવા માટે બોરીસણા ખાતે આવ્યા હતાં. તે સમયે મુકેશ વાલેરાનો સગો નાનોભાઈ સુરેશ શીવાભાઈ વાલેરા પણ ત્યાં આવ્યો હતો.

હાથમાં રહેલી લોખંડની પાઇપ વડે મોટાભાઈને માર્યો
પ્રતાપપુરા ગામની સીમમાં આવેલી જમીનનો અમુક હિસ્સો રેલવે લાઈનમાં જતો રહ્યો હતો. જેથી બંને ભાઈઓ વચ્ચે સરખા ભાગે જમીનના રૂપિયા આવેલા હતા. તે તમામ રૂપિયા મુકેશના નાનાભાઈ સુરેશ પાસે પડ્યા હતા. જે પૈસા બાબતે બંને ભાઈઓ વચ્ચે ચર્ચા થઈ હતી. નાનાભાઈ સુરેશ એ તે પૈસા મામેરામાં ખર્ચ પેટે વપરાઈ ગયા હોવાનું જણાવી હવે પૈસા મારી પાસે નથી હું પૈસા ક્યાંથી લાવું, તેમ કહી મોટાભાઈ ઉપર ઉસ્કેરાઈ ગયો હતો. જેથી મોટાભાઈએ કહ્યું કે આવું ન ચાલે મારા ભાગના જે પૈસા આવે તે પૈસા તારે આપવા પડે જેથી નાનોભાઈ સુરેશ વાલેરા મોટાભાઈ મુકેશ વાલેરાને જેમ ફાવે તેમ ગાળો બોલી હાથમાં રહેલી લોખંડની પાઇપ વડે મોટાભાઈને માર મારવા લાગ્યો હતો.

બુમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા
જેથી મોટા ભાઈ મુકેશ વાલેરા જમીન ઉપર પડી ગયો હતો અને તેને ડાબા હાથના ભાગે લોહી નીકળવા લાગ્યું હતું. મોટાભાઈ મુકેશ વાલેરા બુમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. તે સમયે નાનોભાઈ સુરેશ એવું કહેવા લાગ્યો કે જો હવે પૈસાની વાત કરીશ તો તને પતાવી નાખીશ, તેમ કહીને નાનોભાઈ સુરેશ ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ પત્ની અને દીકરાએ 108 મારફતે કલોલ સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડ્યો હતો. જેથી સુરેશ વાલેરા ઉપર કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...