કલોલ તાલુકાના રકનપુર ગામે એક માતા તેના છ વર્ષના પુત્રને લઈને એક્ટિવા ઉપર ઘરે જઈ રહી હતી. ત્યારે મીની ટ્રક ના ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 6 વર્ષના બાળકનું ગંભીર ઇજાઓ થી મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ ચલાવી છે.
આ સંદર્ભે પ્રાપ્ત થતી વિગતો અનુસાર કલોલ તાલુકાના રકનપુર ગામે રહેતી કોમલબેન વિપુલભાઈ દેસાઈ એક્ટિવા લઈને આંગણવાડીમાં ભણતા તેના છ વર્ષના પુત્ર ચેહુલને લેવા માટે ગઈ હતી. અને તે આંગણવાડીમાંથી તેના પુત્રને લઈને એક્ટિવા ઉપર ઘરે પરત આવી રહી હતી. ત્યારે ટ્રક નંબર જી.જે 18 બીટી 3563 ના ચાલકે ટક્કર મારતા અકસ્માત થયો હતો.
આ અકસ્માતમાં માતા-પુત્ર બંને એક્ટિવા પરથી નીચે પડી ગયા હતા. ત્યારબાદ ટ્રકના ટાયર બાળકના ઉપરથી પસાર થઇ ગયા હતા. જેના પગલે બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસીને મરણ ગયેલો જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસે કોમલબેનની ફરિયાદના આધારે ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ કરાવવી છે.
કલોલ તાલુકાના રકનપુર ગામમાં બનેલા આ બનાવમાં એક બાળકનું મોત થતા ગામમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. ગામ નજીકથી પસાર થતા કેટલાક ભારે વાહનના ચાલકો દ્વારા બેદરકારીથી વાહન ચલાવીને અવારનવાર અકસ્માત કરાતા હોવાથી આવી ઘટનાઓ રોકવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માગણી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.