કાર્યવાહી:કલોલ શહેર, તાલુકા અને સાંતેજ પોલીસ દ્વારા દારૂ અંગે 60 દરોડા

કલોલ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 દિવસમાં નાના બુટલેગરોને ત્યાં કાર્યવાહી હાથ ધરાઈ
  • શહેરથી​​​​​​​ માંડીને ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂનું ઉત્પાદન, નિકાસ તથા વેચાણ અને સેવન બહોળા પ્રમાણમાં થાય છે

કલોલ શહેર, તાલુકા તથા સાંતેજ પોલીસ દ્વારા દારૂ અંગે 60 દરોડા પડતા ચકચાર મચી જવા પામી હતી. કલોલ શહેર તેમજ આસપાસના અન્ય વિસ્તારમાં આવી બદીમાં છેલ્લાં કેટલાંક સમયથી જે રીતે વધારો થઈ રહ્યો છે તે ચિંતાજનક બાબત છે.

આ અંગે મળતી માહિતી અનુસાર છેલ્લાં કેટલાંક સમયથી કલોલ શહેરથી માંડીને ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂનું ઉત્પાદન, નિકાસ તથા વેચાણ અને સેવન બહોળા પ્રમાણમાં જોવા મળે છે ત્યારે છેલ્લા થોડા દિવસોથી પ્રોહીબીશન કાર્યવાહી અંતર્ગત કલોલ શહેર, સાંતેજ તથા કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સામૂહિક અને વ્યાપક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા 10 દિવસમાં 60 જેટલા નાના બુટલેગરોને ત્યાં દરોડા પાડીને તૈયાર દેશી દારૂ ઝડપીને કેસો કરવામાં આવ્યા છે.

જો કે મોટા ભાગનાં કેસોમાં 2 લીટરથી 6 લીટર સુધીનો દારૂ મળી આવ્યો છે. આ ઉપરાંત ઘણા મહિલા બુટલેગરોને ત્યાંથી પણ વધુ પ્રમાણમાં દારૂ મળી આવે છે. ત્યારે કલોલ તાલુકા પોલીસે સઇજ ગામ લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા લીલાબેન રમણજી ઠાકોરને ત્યાં દરોડો પાડીને 4 કેરબામાંથી 140 લીટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો. જયારે આરોપી લીલાબેન મળ્યા નહોતા.

આ વિસ્તારમાં દેશી દારૂનું ચલણ એટલી હદે વધી ગયુ છે કે પોલીસની કાર્યવાહી થયાનાં ગણતરીનાં દિવસોમાં ફરી વેચાણ ચાલુ થઇ જાય છે.કલોલ તેમજ તાલુકાના અન્ય વિસ્તારમાં જે રીતે દારૂની હેરાફેરીમાં વધારો થઈ રહ્યો છે તેને જોતા તેના પર અંકુશ લાવવામાં આવે તેવી માગ છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થતાં જ ગ્રામ્ય વિસતારોમાં દારૂની હેરાફેરી વધી હોવાનું બહાર આવ્યું છે, ત્યારે પોલીસ પણ તે અંગે ખાસ વોચ રાખી રહી છે.

અન્ય સમાચારો પણ છે...