દારૂની હેરાફેરી સામે પોલીસની લાલ આંખ:કલોલના જાસપુરથી ગાંધીનગર એલ.સી.બી- 2એ 3.75 લાખ, સાતેજ પોલીસે રણછોડપુરાથી 54 હજારનો વિદેશી દારૂ ઝડપ્યો

કલોલ17 દિવસ પહેલા

કલોલના જાસપુર ગામ પાસે ગાંધીનગર પોલીસને ખાનગી રાહે બાતમી મળતા પેટ્રોલિંગમાં હતી. તે સમયે બાતમી મળી હતી કે, મહેસાણાથી ગાડી વિદેશી દારૂ ભરી અમદાવાદ તરફ રવાના થઈ રહી છે. જે માટે તેઓએ વોચ ગોઠવી વિદેશી દારૂના જથ્થા સાથે ગાડી પકડી ગુનો દાખલ કર્યો હતો.

અધિકારીઓ પોતાની ગાડી આડી કરી ગોઠવાઈ ગયા
મળતી માહિતી અનુસાર, કલોલ જાસપુર પાસે ખાનગી રાહે બાતમી મળતા ગાંધીનગર એલ.સી.બી-2ના પોલીસ ઇન્સ્પેક્ટર હાર્દિકસિંહની ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ હતી‌. એક સફેદ કલરની swift ગાડી જે વિદેશી દારૂનો જથ્થો ભરી મહેસાણા તરફથી અમદાવાદ બાજુ જવાની છે. જેથી વોચમાં રહેલા અધિકારીઓ પોતાની ગાડી આડી કરી ગોઠવાઈ ગયા હતા.

બુટલેગરનો પીછો ફિલ્મી ડબે ચાલુ કરી દીધો
તે સમય દરમિયાન બાતમીમાં જણાવેલ મુજબની ગાડી સ્થળ ઉપર આવી હતી. એલ.સી.બી-2ના અધિકારીઓ દ્વારા ગાડીને રોકવા માટે હાથ કરવામાં આવ્યો હતો. તેમજ લાઈટથી પણ ઈશારો કરવામાં આવ્યો હતો. તેમ છતાં ગાડી ચાલકે ગાડી રોકી નહીં અને પૂરપાટ ઝડપે ત્યાંથી ગાડી ભગાડી દીધી. તો ગાંધીનગર એલ.સી.બી-2ના પોલીસ કર્મીઓએ પણ બુટલેગરનો પીછો ફિલ્મી ડબે ચાલુ કરી દીધો. આગળ જતા બુટલેગરની ગાડી ખેતરની વાળમાં ફસાઈ હોય તેવી હાલતમાં મળી આવી હતી. ગાડીની નજીક જઈને જોતા ગાડીનું બમ્પર તેમજ નંબર પ્લેટ તૂટેલી હાલતમાં સ્થળ ઉપર પડેલું હતું. અંદર જોતા વિદેશી દારૂનો જથ્થો ગાડીના આગળ તેમજ પાછળની સીટે ભરેલો હતો. તેમજ ગાડીનો ચાલક ભાગવામાં સફળ થઈ ગયો હતો. જેથી સદર ગાડી તેમજ વિદેશી દારૂનો જથ્થો લઈ પોલીસે આગળનો ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી.

સાતેજ પોલીસે રણછોડપુરાથી દારૂ પકડ્યો
સાંતેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.ડી‌. ઓડેદરાના જણાવ્યા અનુસાર નાઈટ પેટ્રોલિંગમાં પોલીસ કર્મીઓ ગાડી લઈને ફરતા હતા. તે સમય દરમિયાન ખાનગી રાહે બાતમી મળતાં રણછોડપુરા ગામમાં સુપર સીટી મજૂર કોલોનીમાં રહેતા વિશાલ ભલાજી ઠાકોર તેઓ પોતાના અંગત સ્વાર્થ મુજબ વિદેશી દારૂનો જથ્થો લાવી વેપાર કરે છે. જેથી બાતમીમાં જણાવ્યા મુજબની જગ્યા ઉપર જઈ પોલીસે સુપર સીટી મજૂર કોલોનીમાં આવેલ પતરાની ઓરડીમાં પાંચમા નંબરની હરોળના પાછળના ભાગમાં આવેલી ઓડી નંબર 42માં ભારતીય બનાવટીનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે કુલ જથ્થો 272 નંગની કિંમત 54,200 ગણી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે દારૂ ઝડપી કાર્યવાહી હાથ ધરી
જેમાં વિદેશી દારૂનો જથ્થો કુલ બોટલો 828 જેની કિંમત 1,25,280 ગણી, મુદ્દામાલમાં એક સફેદ કલરની ગાડી જેની કિંમત રૂ. 2,50,000 ગણી એમ કુલ 3,75,280ના મુદ્દામાલ સાથે ગાડીનો ચાલક તેમજ તેની પાસે બેસેલો ઈસમ એમ બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે સાંતેજ પોલીસે ઠાકોર વિશાલ ભલાજી ઉપર વિદેશી દારૂનો જથ્થો કુલ નંગ 272 જેની કિંમત 54,200 ગણી તેના ઉપરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

અન્ય સમાચારો પણ છે...