ધરપકડ:ધાનોટ ગામની કંપનીમાં ચોરી કરનારી ટોળકીના 3 ઝડપાયા

કલોલ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલોલ પોલીસે કાર સહિત રૂ. 3.42 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

કલોલ શહેર નજીક આવેલા ધાનોટ ગામની સીમમાં આવેલી કંપનીમાંથી કોપર વાયર અને વિવિધ ઇલેક્ટ્રીક મટીરિયલનો મોટા જથ્થાની ચોરી કરનાર ટોળકીના ત્રણ શખ્સોને શહેર પોલીસે ઝડપી લીધા હતાં અને ચોરીમાં સંડોવાયેલા અન્ય ચાર શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ચોર ટોળકી પાસેથી પોલીસે એક ઇકો ગાડી અને કોપર-ઇલેક્ટ્રીકના કેબલ સહિત રૂપિયા 3.42 લાખનો જથ્થો કબજે કરી તપાસ હાથ ધરી છે.

બનાવની વિગતો એવી છે કે ધાનોટ ગામની સીમમાં આવેલી મારિકા એલોયઝ કંપનીમાંથી રૂપિયા 2.69 લાખની કિંમતના વિવિધ ઇલેક્ટ્રિક મટીરિયલના માલની ચોરી થઇ હોવાની ફરિયાદ કંપનીના એચ.આર મેનેજર કૃણાલ બારોટે કલોલ શહેર પોલીસ મથકમાં નોંધાવી હતી. તેના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યેા હતો.

દરમિયાન જિલ્લા પોલીસ વડાએ મિલ્કત સંબંધી ગુના અટકાવવા અને જે ગુના બન્યા હોય તેનો ભેદ ઉકેલવા આદેશ કર્યો હતો. તેના આધારે શહેર પીઆઇ વી.આર ખેરની સૂચના મળતાં સર્વેલન્સ સ્ક્વોર્ટનો સ્ટાફ સક્રિય થયો હતો અને બાતમીદારોને કામે લગાડ્યા હતાં. ત્યારે બાતમી મળી હતી કે આંબેડકર ચાર રસ્તા પાસે એક ઇકો કારમાં આવેલા શખ્સો ચોરીનો માલ વેચવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

તેના આધારે પોલીસ કાફલો બાતમી મુજબની જગ્યાએ પહોંચ્યો હતો અને નંબર મુજબની ઇકો કાર જોવા મળતા તેને કોર્ડન કરી અંદર બેઠેલા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતાં અને કારમાં પડેલા મોલ અંગે પૂછતાં ધાનોટની મારિકા કંપનીમાંથી ચોરી કર્યો હોવાનું જણાવ્યુ હતું. જેથી પોલીસે વધુ પૂછપરછ કરતા ચોરીના આ બનાવમાં વધુ ચાર શખ્સો સંડોવાયેલા હોવાની હકીકત સામે આવી હતી. જેથી પોલીસે રૂપિયા 3 લાખની ઇકો કાર સહિત રૂ.3,42,200નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો.

ચોરીમાં રાહુલ ઇશ્વરભાઇ વાઘેલા (રહે.મ્યુનિ. હેલ્થ ક્વાર્ટર, સૈજપુર બોઘા, નરોડા અમદાવાદ), કરણ વાલજીભાઇ સુમેશરા (રહે-વિશ્વકુંજ સોસાયટી, રેલવે પૂર્વ, કલોલ) અને હિમાંશુ ઉર્ફે ગબ્બર કિરીટભાઇ પરમાર રહે-અમરપાર્ક સોસાયટી, રેલવે પૂર્વ, કલોલને પોલીસે ઝડપી પાડ્યા હતાં. પોલીસે રાહુલ મહેશભાઇ શ્રીમાળી (રહે-શ્રીજી સોસાયટી, રેલવે પૂર્વ, કલોલ), ચિરાગ ઉર્ફે પીંટુ ભરતભાઇ પરીખ (રહે-વિસત પેટ્રોલ પંપની પાછળ, સાબરમતી, અમદાવાદ), ભાવેશ કાંતિભાઇ ચૌહાણ, ઓમ રેસીડેન્સી, કલોલ અને સંજય મોહનભાઇ પરમાર રહે-રેલવે પૂર્વ, કલોલ) ધાનોટની કંપનીમાં થયેલી ચોરીમાં સંડોવાયેલા છે. તેમને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...