બંધ ફેક્ટરીમાં તસ્કરો ત્રાટક્યા:કલોલ પાસેના ધાનોટમાં આવેલી બંધ ફેક્ટરીમાંથી 2,69,000ના મુદ્દામાલની ચોરી; તસ્કરો બંધ ફેક્ટરીનો લાભ ઉઠાવી પલાયન

કલોલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

કલોલ પાસે આવેલા ધાનોટમાં આવેલી બંધ ફેક્ટરીમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં ફેક્ટરીમાં પડેલા સામાનમાં કિંમતી સ્વિચો તેમજ ફેક્ટરીમાં મૂકેલી વસ્તુઓની કુલ કિંમત રૂ. 2,69,000ની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જે બાબતનો ગુનો કલોલ તાલુકા પોલીસમાં નોંધાયો હતો.

કલોલ તાલુકા વિસ્તારમાં આવેલા ધાનોટમાં વિરાટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી મારિકા એલોઈસ પ્રા.લિમિટેડ કંપની છેલ્લા છ માસથી બજારમાં મંદીના કારણે બંધ પડી હતી. જેથી કંપની ભાડે આપવાની હોવાથી કંપનીના શેઠના કહેવા મુજબ કંપનીમાં એસઆર મેનેજર તરીકે ફરજ બજાવતા કૃણાલ કુમાર બારોટે અંદાજિત એકાદ માસ પહેલા ભાડૂઆતને બતાવી પણ હતી. તે સમયે કંપનીમાં તમામ સામાન એચ.આર મેનેજરે જોયો હતો.

ત્યારબાદ તારીખ 1/3/2023ના રોજ સવારના 9:00થી 1:00 વાગ્યાની આસપાસ કંપનીમાં કામથી આવ્યા હતા. તે સમયે કંપનીના મુખ્ય દ્વારનું શટર અડધું ખુલ્લું જોઈને એચઆર મેનેજરે કંપનીમાં પ્રવેશતા કંપનીમાંથી નાની મોટી અલગ અલગ વસ્તુઓ ગાયબ થઈ હોવાની જાણ થઈ હતી. જેથી કંપનીના મેનેજરે કંપનીના શેઠ મનુભાઈ બારોટને જણાવતા શેઠે જણાવ્યું હતું કે, હાલ હું બહાર છું, પણ પરત આવીશ એટલે આવીને જોઈશું. જેથી આજે શેઠે આવીને જોયું તો કંપનીમાં કુલ નાની મોટી વસ્તુઓ થઈને રૂ. 2,69,000નો મુદ્દામાલ ચોરી થઈ ગયો હતો. જેથી કંપનીના શેઠના કહેવા મુજબ મેનેજરે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...