કલોલ તાલુકાના આરસોડિયા ગામે ગુરુવાર તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. જેમાં મિત્રએ સાચવવા આપેલા રૂપિયા બે લાખ સહિત કુલ 2.50 લાખની ચોરીનો બનાવ બનવા પામ્યો છે. જે અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં આરસોડિયા ગામની હદમાં આવેલ મહાકાળી મંદિર ની સામે લક્ષ્મીનગર સોસાયટી આવેલી છે જેમાં 67 વર્ષીય દશરથભાઈ હરિદાસ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. જેઓ નિવૃત્ત થયા બાદ બોરીસણા ખાતે કિરાણા સ્ટોર એન્ડ પાર્લર નામની દુકાન પોતાના દીકરા સાથે મળી ચલાવે છે.
તારીખ 14 નવેમ્બરના રોજ તેમના મિત્ર ભીખાભાઈ અંબાલાલ પટેલ રસ્તામાં મળ્યા હતા.જેઓ બે દિવસ માટે બહારગામ જવાના હોઈ તેમણે પોતાના રૂપિયા બે લાખ સાચવવા માટે આપ્યા હતા. જે તેમણે પોતાના ઘરે તિજોરીમાં મૂકી તેને લોક કરી ચાવી પોતાની ધર્મ પત્ની લીલાબેન ને આપી હતી. તારીખ 17 નવેમ્બરના રોજ તેઓ ઘરેથી ટિફિન લઈ પોતાની દુકાન પર ગયા હતા. તે વખતે સાંજના આશરે 5:30 કલાકે તેમના ભત્રીજા જીતેન્દ્ર શંભુભાઈ પટેલનો તેમના પર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે લીલા કાકી ગામના મહાકાળી માતાના મંદિરે થાળ હોઈ સાંજે 4:00 કલાકે ઘર બંધ કરી મંદિરે ગયા હતા.
ત્યારે તેમના બંધ ઘરમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો અને ઘરની તિજોરીમાં રહેલ રૂપિયા 2.50 લાખ લઈ ગયા હતા. મંદિરથી તેઓ ઘરે પરત આવ્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું લોક તૂટેલું હતું. ઘરની અંદર જોતા તિજોરીનું તાળું પણ તૂટેલ હતું. અને તિજોરીમાં રહેલ રૂપિયા બે લાખ તેમજ દુકાનના વકરાના રૂ.50,000 મળી કુલ રૂપિયા 2.50 લાખની ચોરી થયાનું જણાઈ આવ્યું હતું. જે અંગે દશરથભાઈએ કલોલ તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આસપાસના સીસી ફૂટેજની તપાસ શરૂ
માતબર રકમની ચોરી અંગે ફરિયાદ બાબતે તાલુકા પીઆઈ જે.આર.પટેલ ને પૂછતા તેમણે ઘર પાસે આવેલ મંદિર તેમજ પંચાયતના કેમેરાના સીસી ફૂટેઝ ચકાસવાની કામગીરી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. અને આ ઘરમાં આટલી રકમ થોડા દિવસથી જ હોઈ અને ચોરીનો બનાવ બનતા કોઈ જાણ ભેદુ હોઈ શકે છે. તે દિશામાં પણ તપાસ કરાતી હોવાનું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.