અકસ્માત:રકનપુરમાં લોડીંગ રિક્ષાની ટક્કરથી 2 યુવાનને ગંભીર ઈજા

કલોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદના રાણીપનો યુવાન પોતાના મિત્ર સાથે રકનપુર જતો હતો ત્યારે બનેલો બનાવ

કલોલ તાલુકાના રકનપુર નજીક પેટ્રોલપંપની સામે તેમજ સિમંધર એવન્યુની સામે રોડ પર એક લોડિંગ રિક્ષાચાલકે બાઈક પર જતા બે યુવાનને ટકકર મારતા આ બંને યુવાનને ગંભીર ઈજા થઈ હતી. અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા પુનિત એપાર્ટમેન્ટમાં રહેતા મોહિતકુમાર કિસ્મતભાઇ પરમાર આશ્રમ રોડ પર આવેલ રેન્ટોકિલ (ટી.સી.એલ) નામની ઉંદર મારવાની દવા બનાવતી કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ ગત તા.20 જુલાઇના રોજ પોતાના સાથી કર્મી રાહુલભાઇ ભાવચંદ્રભાઇ નિકુમ સાથે બાઇક નં.જીજે 1 યુ.એસ. 2116 લઇ કલોલ તાલુકાના રકનપુર તરફ જઇ રહ્યા હતા.

તે દરમિયાન રકનપુર પેટ્રોલપંપની સામે તેમજ સિમંધર એવન્યુની સામે રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે પૂરપાટ આવી રહેલ લોડીંગ રિક્ષા નં.જીજે 27 ડબલ્યુ 3055ના ચાલકે રિક્ષા પૂરઝડપે તેમજ ગફલતભરી રેતે હંકારી બાઈકને ધડાકાભેર ટકકર મારી હતી. અચાનક થયેલા અકસ્માતના પગલે બાઇક પર સવાર બન્ને યુવાનો ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. જેના પગલે બંન્નેના માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. જ્યારે લોડિંગ રિક્ષાચાલક અકસ્માત સર્જી પોતાનો રિક્ષા લઇ ભાગી છુટ્યો હતો.

અકસ્માતના પગલે આસપાસમાંથી દોડી આવેલ લોકોએ બંન્ને ઘાયલ યુવાનોને 108 મારફતે સારવાર માટે સોલા સિવિલ ખાતે મોકલી આપ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને અમદાવાદ સિવિલ ખસેડાયા હતા. આ અંગે ઘાયલ મોહિતભાઇની પત્નીએ સાંતેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...