તસ્કરી:કલોલમાં 3 દુકાનમાંથી 1.18 લાખની મત્તા ચોરાઈ

કલોલ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
કલોલમાં એક જ રાતમાં 3 દુકાનોમાં બખોલ પાડીને રૂપિયા 1.18 લાખની મત્તા ચોરી થઇ હતી. - Divya Bhaskar
કલોલમાં એક જ રાતમાં 3 દુકાનોમાં બખોલ પાડીને રૂપિયા 1.18 લાખની મત્તા ચોરી થઇ હતી.
  • 1 જ રાતમાં સ્ટેશન રોડ પરની દુકાનોમાં બાકોરાં પાડી તસ્કરોએ હાથ અજમાવ્યો
  • 45 હજારની રોકડ, સીસીટીવીના ડીવીઆર, ડ્રાયફ્રૂટ તથા મસાલા સહિતની ચીજોની ચોરી

કલોલ શહેરમાં એક જ રાતમાં સ્ટેશન રોડ પર આવેલી 3 દુકાનોમાં બાકોરા પાડીને રોકડ, સીસીટીવીનાં ડીવીઆર, ડ્રાયફુડ તથા મસાલા સહિત કુલ રૂ. 1.18 લાખની કિંમતની મત્તા ચોરાઇ જતા ચકચાર મચી જવા પામી છે. સવારે વેપારીઓએ દુકાન ખોલ્યા બાદ બનાવ સામે આવતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસે ફરીયાદ નોંધીને આસપાસનાં સીસીટીવી ફુટેજ તપાસવાનું શરૂ કર્યુ છે. આ બનાવથી નગરના અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

કલોલની અંબિકાનગર સોસાયટીમાં રહેતા સ્ટેશન રોડ પર ખમાર ભવનની સામે મેર્સસ ખમાર મણીલાલ લાલદાસ નામની દુકાન ધરાવતા વૈભવકુમાર કિરીટભાઇ ખમારે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે રોજ સવારે 7 વાગ્યે દુકાન ખોલીને સાંજે 7 વાગ્યે વસ્તી કરે છે. ગત બુધવારે સાંજે માણસો દુકાને વસ્તી કરીને ગયા બાદ ગુરૂવારે સવારે દુકાન ખોલતા પાછળનાં ભાગે બાકોરૂ જોવા મળ્યુ હતુ. ત્યારબાદ આ અંગે દુકાનમાં તપાસ કરતા લોખંડની તિજોરી પણ તુટેલી હતી અને રૂ. 60 હજારની રોકડ ચોરાઇ ગઇ હતી.

તે જ રીતે પાસેની ઉર્વેશ હિતેશકુમાર પટેલની દુકાનમાંથી પણ તિજોરીમાંથી રૂ. 45 હજારની રોકડ, સીસીટીવીનું ડીવીઆર બાકોરૂ પાડીને ચોરી લીધુ હતુ તેમની જમણી બાજુએ આવેલી નટવરલાલ ડાહ્યાભાઇ પટેલની નટરાજ કિરાણા સ્ટોરમાંથી પણ બાકોરૂ પાડીને ડ્રાયફુટ તથા મસાલા સહિતની રૂ. 10 હજારની ચિજો ચોરાઇ ગઇ હતી. કુલ મળીને રૂ. 1.18 લાખની મત્તાની ચોરીની ફરીયાદનાં આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...