તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રનું જાગ્યા પછીનું ડહાપણ:કોલેરાગ્રસ્ત કલોલમાં વધુ 1 મોત : 10 કેસ

કલોલ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
રોગચાળાનું કારણ  સમ્પનો કાદવ - Divya Bhaskar
રોગચાળાનું કારણ સમ્પનો કાદવ
  • લોકોના ડરથી પાલિકા કચેરી અને સિવિલમાં પોલીસ ખડકી દેવાઈ
  • વોર્ડ નં 4 , 11માં આજથી પાણીનો પુરવઠો અપાશે

કલોલ નગરપાલિકાની બેદરકારીએ વધુ એકનો ભોગ લઈ લીધો છે. કલોલ પૂર્વ વિસ્તારમાં 15 દિવસથી આવતા દૂષિત પાણીની સમસ્યા પાલિકાએ દૂર ન કરતાં ઝાડા-ઊલટી અને કોલેરાના રોગચાળામાં ગુરુવારે 40 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. ગુરુવારે વધુ 10 કેસ નોંધાયા હતા અને મૃત્યુઆંક 5 પર પહોંચ્યો છે ત્યારે સ્થાનિકોનો રોષ પારખીને ગભરાયેલા કલોલ નગરપાલિકાના શાસકોએ પાલિકા કચેરી અને સિવિલ હૉસ્પિટલ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

મૃતક મહિલા
મૃતક મહિલા

બે દિવસ પહેલાં જ રાત્રે આમ આદમી પાર્ટીએ સિવિલ ખાતે હોબાળો કર્યો હતો. ત્યારે વધતા કેસો અને મોત વચ્ચે લોકોના રોષનું ભોગ બનવું ન પડે તે માટે તંત્રએ તૈયારી કરી લીધી છે. જેમાં કલોલ નગરપાલિકા અને કલોલ સિવિલ ખાતે પોલીસ બંદોબસ્ત મુકી દેવાયો છે. બુધવારે મોડી સાંજે પાંચમુ મોત થતા હવે સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ સિદ્ધાર્થનગર સોસાયટી વિભાગ-1માં રહેતા પુષ્પાબેન અરવિંદભાઈ મેવાડા (40 વર્ષ)ને ગુરૂવારે સવારે ઝાડા-ઉલ્ટીની અસર થઈ હતી.

સાંજ સુધી તેમને કોઈ ખાસ ફરક ન પડતાં તેમને સારવાર માટે કલોલ સિવિલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરજના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મહિલાના અચાનક મોતથી 10 વર્ષની દીકરી અને 8 વર્ષના દિકરાએ માતાએ છત્રછાયા ગુમાવી છે. રોગચાળામાં ત્રણ દિવસ પહેલાં પૂર્વ વિસ્તારમાં રહેતાં 35 વર્ષીય પિતા અને તેમના 3 વર્ષના પુત્રનું મોત થયું હતું. આ સાથે અન્ય એક 6 વર્ષની બાળકીનું મોત થયું હતું. મંગળવારે પ્રેસમાં રહેતી નવ વર્ષની બાળકીનું મોત નીપજયું હતું. ગુરૂવારે કલોલની સિવિલમાં નવા 10 કેસ નોંધાયા હતા, જેની સામે 11 લોકો સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી હતી.

પગલાં કાંસમાંથી પસાર થતાં 13 ગેરકાયદે નળ જોડાણ કપાયાં
તંત્ર દ્વારા ગેરકાયદે પાણી કનેક્શનના 13 જોડાણ કાપી નાખ્યા છે, રેવલે પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે કાંસ બનાવાયેલો છે. જેમાં વર્ષોથી લોકોએ ગેરકાયદે ગટરના જોડાણો આપી દીધેલા છે. બીજી તરફ ગેરકાયદે પાણીના જોડાણ માટે લોકોએ કાંસમાંથી પાણીની લાઈનો પસાર કરી છે. એટલે કાંસમાં ગટરના પાણી ભરાય ત્યારે તે પાણીની પાઈપો પરથી પસાર થાય છે. ત્યારે આવા કનેક્શનોમાં ગટરના પાણી ભળ્યાં હોવાની શક્યતાં જોવાઈ રહી છે.

વ્યવસ્થા કલોલના દર્દીઓ માટે ગાંધીનગર સિવિલમાં વોર્ડ તૈયાર
કલોલના નગરપાલિકાના જે.પી. વિસ્તાર સહિતમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ત્યારે ઝાડા ઉલટી રોગચાળાની ઝપેટમાં આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના આઠમા માળે ખાસ વોર્ડ ઉભો કર્યો છે. જેમાં હાલમાં 12 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. તેમાં મેલ અને ફિમેલ વોર્ડ અલગ અલગ કરાયા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આઠમા મજલે મેડિસિન વોર્ડ કાર્યરત હતો.

તપાસ અસરગ્રસ્ત વિસ્તારોની આરોગ્યની ટીમે મુલાકાત લીધી
​​​​​​​મંગળવારે મંગળ ગીરધર પ્રેસ વિસ્તારમાં બાળકીનું મોત અને બુધવારે સિદ્ધાર્થ સોસાયટી ખાતે મહિલાના મોતને પગલે આરોગ્યની ટીમો અહીં પહોંચી કેટલાક ઘરોની મુલાકાત લઈને પરિસ્થિતિ જાળવાનો પ્રયત્ન કરાયો. વણકરવાસ પાસે આવેલ પાણીના સંપની આસપાસ તથા પૂર્વ વિસ્તારમાં આવેલ પાણીની ટાંકીની સફાઈ કરાઈ હતી.

પાલિકાના શાસકોમાં લોકરોષનો ભય ફેલાયો
​​​​​​​​​​​​​​રેવેલ પૂર્વમાં 9 લાખ લીટરની ક્ષમતાનો સંપ આવેલો છે,જેની ગુરૂવારે સફાઈ કરતાં અંદરથી માટી થર જામેલા મળી આવ્યા હતા. કલોલમાં રોગચાળાની સ્થિતિને પગલે લોકોના રોષનું ભોગ ન બનવું તે માટે નગરપાલિકા તથા સિવિલ હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...