તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:બર્થ ડેની શુભેચ્છા પાઠવવા માટે ફોન કરતાં યુવતીએ કહ્યું ‘ઘરમાં કરિયાણું બિલકુલ નથી’

દહેગામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દહેગામમાં કોરોનામાં પિતા-ભાઈ ગુમાવનાર દીકરીની મદદે પુસંરીના વડીલ આવ્યા

દહેગામ ખાતે કોરોનામાં પિતા-ભાઈ ગુમાવનાર દીકરીની મદદે પુંસરી ગામના વડીલ આવ્યા હતા. આદર્શ ગામ તરીકે દેશભરમાં પુંસરીને રજૂ કરનાર પૂર્વ સરપંચના પિતા નરેન્દ્ર પટેલ પણ સેવાભાવ સાથે જોડાયેલા છે. તેઓએ ઘરના મોભી ગુમાવનાર દીકરીને કરણિયા સહિતની જરૂરી સહાય કરવાની સાથે આગામી સમયે આવી રહેલી ધો-12ની પરીક્ષા આપવા પણ હિંમત આપી હતી. ભારતીય જનતા પાર્ટીની વિસ્તારક યોજના હેઠળ વર્ષ 2017માં દહેગામ વિધાનસભામાં વિસ્તારક તરીકે એક વર્ષ માટે પુંસરી ગામના નરેન્દ્ર પટેલને મૂકવામાં આવ્યા હતા.

ત્યારે 2 એપ્રિલ 2017ના રોજ ઉનાળાના બળબળતા તાપમાં બે દીકરીઓ ચંપલ પહેર્યા વિના શાળામાં જતી હતી, તપાસ કરતા શાળામાં ધોરણ-8માં અભ્યાસમાં હોશિયાર દીકરીઓને પગમાં પહેરવાના ચપ્પલ ન હતા, શાળાના આચાર્યએ આ કન્યાઓની જરૂરિયાત વિશેની જાણકારીને દીકરીઓને મદદ નહીં મળે તો અધવચ્ચેથી આ દીકરીઓ અભ્યાસ છોડી દેશે કહ્યું હતું. જઆ દીકરીઓ પૈકી દક્ષા વાંસફોડીયાનો મંગળવારે જન્મ દિવસ હતો જેને પગલે નરેન્દ્ર પટેલ દ્વારા શુભેચ્છા પાઠવવા ફોન કરાયો હતો.

જેમાં દીકરીએ રડમસ અવાજે કોરોનામાં પિતા અને મારો ભાઈ અવસાન પામ્યા હોવાનું કહીંને ઘરમાં કરિયાણું બિલકુલ નથી. દીકરીના આવા શબ્દો સાંભળી તેઓ તાત્કાલિક દહેગામ દોડીને દક્ષાના ઘરે જઈ કરિયાણું, ફળફળાદી, મીઠાઈ તેમજ માસ્ક-સેનિટાઈઝર તથા દક્ષાની માતાને સાડી અને દક્ષા માટે કપડાં આપ્યા હતા.

વર્ષ પહેલાં પિતા 3 માસ પહેલાં ભાઈ ગુમાવ્યો
અત્યંત ગરીબ પરિવારની દક્ષાના ઘરમાં માતા-પિતા અને ભાઈ હતા, પિતા ત્રણ પૈડાવાળી સાયકલ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા તથા ભાઈ પણ છુટક મજૂરી કરીને પૈસા લાવતો હતો. એક વર્ષ પહેલાં ટીબીની બિમારી વચ્ચે દક્ષાના પિતા બૈજુભાઈ (49 વર્ષ) કોરોનાની ઝપેટમાં આવતા મોત થયું હતું. જેને પગલે દક્ષાના 28 વર્ષના ભાઈ પ્રવિણે ઘરની જવાબદારી સંભાળી હતી. બ્લડ કેન્સરની બિમારી વચ્ચે મજૂરી કામ કરતો પ્રવિણ પણ કોરોનાની ઝપેટમાં આવીને 3 માસ પહેલાં જ મોતને ભેટ્યો હતો.

માતાનું કામ છટ્યું, દક્ષા ધો-12ની તૈયારી કરશે
કોરોનાની એક પછી એક થપાટ ખાતા પરિવારમાં માતા અને દીકરી બે લોકો જ રહ્યાં છે. માતા પણ લોકોના ઘરોના કામ કરીને દીકરીનું પાલન કરવા માંગે છે પરંતુ કોરોનામાં કામ છૂટી ગયું છે. ત્યારે પરિવારની આવી આર્થિક સ્થિતિ વચ્ચે દક્ષા આગામી સમયે ધો-12ની પરીક્ષા આપવાની તૈયારી કરી રહી છે. તેણે કહ્યું હતું કે, ‘નરેન્દ્રદાદાનો ખૂબ સારો સહકાર રહ્યો છે, ધો-12માં સારા માર્ક્સ લાવીને મારી ઈચ્છા આગળ જઈને એમબીએ કરવાની છે.’

અન્ય સમાચારો પણ છે...