દહેગામ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ નેતાએ શહેરની મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કુલમાં પ્રવાસી શિક્ષક તરીકે એમએસસી બીએડને બદલે બીએસસી બીએડ શિક્ષકની નિમણૂકનો વિરોધ કર્યો હતો. ઉપરાંત પાલિકાના કન્સલ્ટન્ટ દ્વારા વિકાસ કામોની ગુણવત્તાનું ધ્યાન નહી રાખી પાલિકાને નાણાકીય નુકસાન પહોંચાડવાના મુદ્દે શાસકપક્ષને ઘેર્યા હતા.
દહેગામ પાલિકા કચેરીમાં પ્રમુખ પીનાબેન શાહના પ્રમુખ સ્થાને યોજાયેલી સામાન્ય સભામાં ગુજરાત ફાઇનાન્સ બોર્ડની એક કરોડ બાર લાખ પચાસ હજારની ગ્રાન્ટમાંથી વિકાસના કામો કરવા અંગેની સત્તા પ્રમુખને સોંપાઈ હતી. ઉપરાંત દસ લાખ રૂપિયાની વરસાદી પાણીના નિકાલ અને રોગચાળા રોકથામ અંગેની ગ્રાન્ટ અંગે પણ પ્રમુખને સત્તા સોંપવામાં આવી હતી.
સામાન્ય સભામાં દહેગામના સ્મશાન ગૃહને ગેસ આધારિત બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. પાલિકામાં ખાલી પડેલી જગ્યા ઉપર સરકારના ધારાધોરણ અને મંજૂરી અનુસાર રોજમદાર કર્મચારીની ભરતી કરવા અંગેનો ઠરાવ કરવામાં આવ્યો હતો.
ઉપરાંત સામાન્ય સભામાં વિપક્ષના નેતા માર્ગેશ સકસેના દ્વારા પાલિકા સંચાલિત મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કુલમાં પ્રવાસી શિક્ષક તરીકે એમએસસી બીએડ ના સ્થાને બીએસસી બીએડ શિક્ષકની નિમણૂક પૈસા લઈને ભ્રષ્ટાચાર કરીને કરી વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેંડા કરવાનો આક્ષેપ કરાતા હોબાળો થયો હતો.
વિપક્ષ નેતા એક કરેલા અક્ષેપોને પાલિકા પ્રમુખ તેમજ શિક્ષણ સમિતિના ચેરમેનને નકાર્યા હતા. આ ઉપરાંત માર્ગેશ સકસેનાએ નગરપાલિકાના કન્સલ્ટન્ટ દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કામોની ગુણવત્તાનું ધ્યાન નહી રાખી બાંધકામની સાઈડ પર એન્જિનિયરો હાજર ન રહેતા હોવા ઉપરાંત સાઈડ પર ક્યૂબ મોલ્ડ નહિ રાખી, સ્લમ્પ ટેસ્ટ ન કરી ક્યોરિંગ ટેન્ક પણ ન રાખી નુકસાન કરાવતા હોવાનું જણાવ્યું હતું.
શહેરમાં 3 દિવસ માટે પાણી પુરવઠો બંધ રખાશે, સંપના ધાબાનું રિપેર કામ કરાશે
દહેગામ નગરપાલિકાના વોટર વર્કસ નંબર-1માં આવેલા અંડર ગ્રાઉન્ડ વોટર સંપનું 25થી 30 વર્ષ જૂનું બાંધકામ હોવાથી થોડા સમય અગાઉ તેનું જર્જરીત ધાબુ તૂટી પડ્યું હતું. આગામી ચારથી પાંચ દિવસમાં તેને દૂરસ્ત કરવાની કામગીરી કરવામાં આવનાર છે.
જેના કારણે શહેરમાં ત્રણ દિવસ માટે પાણી પુરવઠો બંધ રાખવામાં આવનાર છે. જેની જાહેરાત અગાઉથી રિક્ષા ફેરવી શહેરીજનોને કરવામાં આવશે અને ત્રણ દિવસ જુદા જુદા વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની ચર્ચા પણ સામાન્ય સભામાં કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.