ચર્ચાનો વિષય:દહેગામ એસટી ડેપોમાં અનાવરણ કરાયેલી તકતીમાં ધારાસભ્યનું નામ જ ભૂલાયું

દહેગામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાત્કાલીક અસરથી ધારાસભ્યના નામવાળી તકતી લગાવાઈ

દહેગામ ખાતે છ કરોડના ખર્ચે નવા બનાવાયેલા એસટી બસ સ્ટેશનનું શુક્રવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઈ-લોકાર્પણ કરાયું હતું. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીના હસ્તે નવા બનાવેલા બસ સ્ટેન્ડમાં તકતીનું અનાવરણ કરાયું હતું. જે તકતીમાં મોટાભાગના કાર્યક્રમ પ્રસંગે ગેરહાજર રહેવાની ટેવ વાળા તેમજ લોકાર્પણ પ્રસંગે પણ હાજર નહીં રહેલા સાંસદ હસમુખભાઈ પટેલનું નામ લખેલું હતું પરંતુ સ્થાનિક ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણનું નામ ન હોવાથી ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો.

જોકે મોડે મોડે એસટી વિભાગને ભૂલ સમજાતા મોડી સાંજે ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણનું નામ ઉમેરેલી તકતી લગાવી દેવાઈ હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ દ્વારા તકતીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું જે તકતીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુ રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની તેમજ ઉપાધ્યક્ષ અને વાહન વ્યવહાર વિભાગના વહીવટી સંચાલક એસ.જે.હૈદરનું નામ હોવું સ્વાભાવિક છે અનાવરણ કરાયેલ.

તકતીમાં મોટાભાગના કાર્યક્રમોમાં ગેરહાજર રહેવાની ટેવ વાળા અને લોકાર્પણ પ્રસંગે પણ હાજર ન રહેલા અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલનું નામ હતું જ્યારે સ્થાનિક ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણનું નામ ન હોવાના કારણે અનાવરણ સમયે જ હાજર લોકોમાં ગણગણાટ શરૂ થયો હતો.આ અંગે દહેગામ ડેપોના મેનેજર હાર્દિક રાવલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે તકતી બનાવનારાથી ભૂલમાં ધારાસભ્યનું નામ શરતચૂકથી રહી ગયું હતું.

ફિક્સ પગારના કર્મીઓને 7મા પગાર પંચ મુજબ વધારો આપવા માંગ
એસ ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓ, સુપરવાઇઝર અને અધિકારીઓને સાતમાં પગારપંચ મુજબ સુધારેલા દરે પગાર વધારાનો સત્વરે લાભ આપવા સહિતના પડતર પ્રશ્નોના ઉકેલ માટે મઝદૂર સંઘે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. દહેગામ એસ ટી ડેપોમાં ઇ-લોકાર્પણ દરમિયાન ધારાસભ્યના માધ્યમથી મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચાડાઈ છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલવામાં નહીં આવતા કર્મચારીઓમાં રોષ ઊઠવા પામ્યો છે. એસ ટી નિગમમાં ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નોમાં 7માં પગારપંચનો લાભ આપ્યા બાદ બાકી રહેલા એક હપ્તાની ચુકવણી નહીં કરાતા કર્મચારીઓમાં રોષ ઊઠ્યો છે.

સેટલમેન્ટ મુજબ થયેલા કાયમી ફરજ બજાવતા ડ્રાયવર અને કંડક્ટરોને વર્ગ-3નો ગ્રેડ પે રૂ. 1900 નહીં અપાતું હોવાથી તેની સત્વરે અમલવારી કરવામાં આવે તેવી માંગ ઊઠી છે. વધુ નિગમમાં વિવિધ કેડરમાં ફરજ બજાવતા સુપરવાઇઝર, અધિકારીઓ અને કર્મચારીઓને રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ 7માં પગારપંચ મુજબ સુધારેલા દરે પગાર વધારાનો લાભ આપવો તેમજ સુધારેલું એરીયર્સનું એક જ હપ્તામાં ચુકવણી કરવાની માંગણી કર્મચારીઓમાં ઉઠવા પામી છે. નિગમના વર્ગ-4ના કર્મચારીઓને છેલ્લા 2 વર્ષના ચડત બોનસનો લાભ આપવામાં આવે. ઉપરાંત કામના કલાકો વધારીને કાયમી કરવામાં આવે તેવી માંગણી કર્મચારીઓમાં ઊઠવા પામી છે. કોરોનાની મહામારીમાં પણ મુસાફરો વચ્ચે રહીને ફરજ બજાવી રહેલા નિગમના કર્મચારીઓને કોરોના વોરીયર્સ તરીકે સ્થાન આપીને મળવા પાત્ર લાભો આપવાની માંગણી કરી છે. વધુમાં કેન્દ્ર સરકારે જુલાઇ-2019થી 5 ટકા મોંઘવારી લાભ આપવાની જાહેરાત કરી છે. પરંતુ તેનાથી એસ ટી નિગમના કર્મચારીઓને વંચિત રાખવામાં આવ્યા છે. તેનો લાભ આપવા માંગણી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...