ક્રાઇમ:કુજાડમાં 25 લાખ ઉઘરાવવા બાબતે ઠપકો આપનાર પુત્રની માતાએ હત્યા કરાવી

વહેલાલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સાવકી માતા પુત્રના નામે સગાં પાસેથી પૈસા લેતી હતી
  • નાસિકથી 3 મિત્રને બોલાવી પુત્રને ગળેટૂંપો અપાવ્યો, માતાની ધરપકડ

કણભાને અડીને આવેલા કુજાડમાં સાવકી માતા પોતાના નામે સંબંધીઓ પાસેથી રૂપિયા ઉઘરાવતી હોવાની જાણ 23 વર્ષીય પુત્રને થતાં તેણે માતાને ઠપકો આપ્યો હતો, જેથી સાવકી માતાએ નાસિકથી ત્રણ મિત્રને બોલાવી શુક્રવારે બપોરે પુત્રની હત્યા કરાવી દીધી હતી. પોલીસે સાવકી માતાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હત્યા કરનાર ત્રણની શોધખોળ શરૂ કરી છે. કણભાના કુજાડમાં રજનીભાઈ પટેલની પહેલી પત્નીનું કુદરતી મૃત્યુ થયું હતું, જેથી તેમનાં બે સંતાનોને સાચવવા માટે તેમણે સાત વર્ષ પહેલાં નાસિકમાં રહેતી ગૌરીબેન નામની મહિલા સાથે ફૂલહાર કરીને લગ્ન કરી લીધાં હતાં.

સાવકી માતા ગૌરીબેને સંબંધીઓ સુખીસંપન્ન હોવાથી પુત્ર હાર્દિક પટેલના નામે રૂપિયા ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. 25 લાખ રૂપિયા ઉઘરાવ્યાની જાણ હાર્દિકને થતાં તેણે માતાને ઠપકો આપી પોતાના નામે રૂપિયા ઉઘરાવવાની ના પાડી હતી, જેથી સાવકી માતાએ પુત્રને મારી નાખવાનો પ્લાન બનાવી નાસિકથી 3 મિત્રોને બોલાવ્યા હતા અને પુત્રની ગળે ટૂંપો દઈ હત્યા કરાવી દીધી હતી.

હત્યા કરીને રિક્ષા મારફતે લાશ ફેંકી દીધી
નાસિકથી આવેલા મહિલાના મિત્રોએ હાર્દિકને બપોરે ગળેટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો, ત્યાર બાદ મૃતદેહને કોથળામાં પેક કરી રિક્ષા મારફતે લઈ જઈ અવાવરું જગ્યામાં ફેંકી દીધો હતો અને કણભા પોલીસમાં હાર્દિક ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં મૃતદેહ મળી આવતા શરૂ કરાયેલી તપાસમાં સાવકી માતા શંકાના ઘેરામાં આવી હતી અને પૂછપરછમાં જ ગુનો કબૂલ્યો હતો.

બીજા પુત્રને ઘેનની ગોળીઓ આપી હતી
કણભા-કુજાડમાં સાવકી માતા દ્વારા પુત્રની કરાવવામાં આવેલી હત્યાથી ચકચાર મચી ગઈ હતી. આ અંગે ગ્રામજનોમાં ચાલેલી ચર્ચા મુજબ, સાવકી માતાએ હત્યા પૂર્વે બીજા પુત્રને ઘેનની ગોળીઓ આપી સૂવડાવી દીધો હતો. બીજો પુત્ર ઘેનમાં હતો ત્યારે હત્યારાઓએ પુત્રની હત્યા કરી મૃતદેહને સગેવગે કરી દીધો હતો.