હોબાળો:દહેગામના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ઓછું આવતાં હોબાળો: પમ્પની નોઝલ સીલ

દહેગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પેટ્રોલપંપ પર પેટ્રોલ ઓછું મળવાના કારણે મોડી રાત્રે હોબાળો થયો હતો. - Divya Bhaskar
પેટ્રોલપંપ પર પેટ્રોલ ઓછું મળવાના કારણે મોડી રાત્રે હોબાળો થયો હતો.
  • યુવકે કોથળીમાં રૂ. 120નું લીધેલું પેટ્રોલ 180 ગ્રામ ઓછું જણાતાં ફરિયાદ
  • લોકોનું ટોળું એકઠું થતાં મામલતદાર અને પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો

દહેગામના એક પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ ઓછું આવતાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ પમ્પ પર ઉમટી પડતાં પોલીસે પણ દોડવું પડ્યું હતું. સમગ્ર મુદ્દે યુવકની ફરિયાદના આધારે તોલમાપ વિભાગે પંપની નોઝલને સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગુરુવારે રાત્રે બનેલી ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.

બહિયલ-હાથીજણ રોડ પર આવેલા એસ્સાર કંપનીના પેટ્રોલ પમ્પમાંથી હાથીજણનો મીત પટેલ પેટ્રોલ પુરાવવા ગયો હતો. બાઇકમાં પેટ્રોલ પુરાવી ઘરે રહેલા બાઈક માટે યુવકે કોથળીમાં 120 રૂપિયાનું પેટ્રોલ લીધું હતું. ઘરે જઇ તપાસ કરતાં અંદર 180 ગ્રામ જેટલું ઓછું જણાતાં તે પરત પેટ્રોલપંપ પાછો પહોંચ્યો હતો. પેટ્રોલ પુરનાર ફીલરને ફરિયાદ કરતાં બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. ઘટનાની જાણ થતાં રોજ હાથીજણ અને બહિયલથી ટોળેટોળા પેટ્રોલ પંપ પર ધસી આવ્યા હતા, જેનાથી વાતાવરણ ઉગ્ર બન્યું હતું. સમગ્ર મુદ્દે પોલીસને જાણ કરી દેવાયા પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટોળાને વિખેર્યું હતું.

જે બાદ દહેગામના ઈન્ચાર્જ મામલતદાર દેવેશ પટેલ, નાયબ મામલતદાર ભવરસિંહ ચાવડા પણ પેટ્રોલ પંપ ખાતે દોડી આવ્યા હતા. પેટ્રોલ ઓછું આપવામાં આવતું હોવાની ફરિયાદને લઈ તોલમાપ વિભાગને જાણ કરતાં ઇન્સ્પેક્ટર એ. ડી. ઝાલા આવી પહોંચ્યા હતા. તેઓએ પેટ્રોલપંપ પર ચકાસણી કરી હતી જોકે તે વખતે પેટ્રોલ પુરતા પ્રમાણમાં હોવાનું જણાયું હતું. આ છતાં શંકા હોવાના કારણે યુવાન મીત પટેલની ફરિયાદ આધારે કાર્યવાહી કરાઈ હતી. જેઓએ નોઝલને સીલ કરીને તપાસ માટે કંપનીના અધિકારીઓને જાણ કરી હતી.

હાજર અનેક લોકોએ પેટ્રોલ ઓછું અપાતું હોવાની ફરિયાદો કરી
પેટ્રોલપંપ પર પેટ્રોલ ઓછું આવતી હોવાની અનેક ફરિયાદો હાજર રહેલા અસંખ્ય લોકોએ મામલતદાર અને તોલમાપ વિભાગ ઇન્સ્પેક્ટરને કરી હતી. જેથી અધિકારીઓએ યોગ્ય તપાસની ખાતરી આપી હતી. બીજી તરફ સમગ્ર બનાવની જાણ થતાં પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ પણ દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...