વિવાદ:શિયાવાડામાં 2 કોમ વચ્ચે ઝઘડો થતાં એક જ્ઞાતિના પરિવારોની હિજરત

દહેગામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મામલો શાંત પાડવા પ્રાંત અધિકારી અને પોલીસ ઊતરી પડી
  • પોલીસમાં અરજી અપાતા પોલીસે કાર્યવાહી પણ કરી હતી બંને સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરીને સમાધાન કરાવ્યું

દહેગામના શીયાવાડા ગામમાં ઠાકોર અને રાવળ સમાજ વચ્ચે થયેલા ઝઘડાથી રાવળ સમાજના પરિવારોએ હિજરત કરતા પ્રાંત અધિકારી અને PI સહિત ગામની મુલાકાત કરી હતી. ગામમાં ઠાકોર અને રાવળ સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરીને સમાધાન કરાવ્યું હતું. ઉપરાંત હિજરત કરી ગયેલા રાવળ સમાજના પરિવારજનોને પરત આવવા સમજાવ્યા હતા.

જિલ્લાના દહેગામ તાલુકાના શિયાવાડા ગામમાં રાવળ સમાજની સામુહિક હિજરત મામલે દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઇ જે.કે.રાઠોડે જણાવ્યું છે કે દોઢેક વર્ષ પહેલાં જિલ્લાના દહેગામ તાલુકાના શિયાવાડા ગામમાં રાવળ સમાજની દિકરીની છેડતી ઠાકોર સમાજના યુવાનોએ કરી હતી. આ મામલે ઠાકોર અને રાવળ સમાજ વચ્ચે બોલાચાલી થતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસમાં ઠાકોર અને રાવળ સમાજે અરજી આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી. જેને દોઢેક વર્ષ જેટલો સમય બાદ આ મામલે રાવળ અને ઠાકોર સમાજ વચ્ચે માથાકુટ થઇ હતી.

આથી ગામના રાવળ સમાજના પરિવારોએ હિજરત કરીને સગાઓને ત્યાં જતા રહ્યા હતા. જોકે સોમવારે પ્રાંત અધિકારી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ગામમાં દોડી ગયા હતા. ગામના ઠાકોર અને રાવળ સમાજના આગેવાનોની સાથે બેઠક કરીને સમાધાન કરાવ્યું હતું. ઉપરાંત આગામી સમયમાં પણ આ મામલે કોઇ જ માથાકુટ થશે નહી તેવી બાંહધરી સમાજના અગ્રણીઓએ આપી હતી. આથી હિજરત કરી ગયેલા રાવળ સમાજના પરિવારોને ગામમાં પરત આવવા સમજાવ્યા છે. જે આગામી બે દિવસમાં ગામમાં પરત આવી જશે તેવી રાવળ સમાજના અગ્રણીએ ખાતરી આપી હોવાનું પીઆઇ જે.કે.રાઠોડે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...