દહેગામ શહેરનાં ઝડપથી વિકસી રહેલા નહેરૂ ચોકડી વિસ્તારમાં જાહેર શૌચાલય કે મુતરડી નહી હોવાના કારણે અહીની મુસાફર પ્રજા તેમજ સ્થાનિક દુકાનદારોને ખૂબજ હાલાકીનો સામનો કરવો પડે છે. જાહેર શૌચાલય કે મુતરડી નહી હોવાથી મહિલાઓની હાલત કફોડી બને છે. આ વિસ્તારમાં તંત્ર દ્વારા તાકિદે જાહેર શૌચાલય બનાવવાની માંગણી ઉઠવા પામી છે.
દહેગામ શહેરના નહેરૂચોકડી ખાતેથી અમદાવાદ, ઉત્કંઠેશ્વર કપડવંજ, તેમજ ગાંધીનગર જવા માટેનું જંકશન આવેલુ છે. આ વિસ્તારમાંથી મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં મુસાફરો અવરજવર કરે છે. નજીકમાં અસંખ્ય દુકાનો અને બેંકો પણ આવેલી હોવાથી અહી લોકોની ચહલ પહલ વધુ રહે છે. આ વિસ્તારમાં એકપણ જાહેર શૌચાલય કે મુતરડી નહી હોવાના કારણે કુદરતી હાજતે જવા લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
દહેગામનાં નહેરૂ ચોકડી વિસ્તારમાં જાહેર શૌચાલય અને મુતરડી બનાવવા અંગે નગરપાલિકા દ્વારા ભૂતકાળમાં નહેરૂચોકડી વિસ્તારમાં જાહેર શૌચાલય બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. પરંતુ આ વિસ્તારમાં નગરપાલિકાની માલિકીની જગ્યા નહી હોવાથી માર્ગ અને મકાન વિભાગ પાસે માત્ર શૌચાલયનાં ઉપયોગ પુરતાં હક સાથે જગ્યાની માંગ કરવામાં આવીહતી. પરંતુ તે માંગણી હજી સુધી નહીં સ્વીકારાતાં શૌચાલય બનાવી શકાયુ ન હતુ પરંતુ હવે જિલ્લાના વહીવટી તંત્રની મધ્યસ્થી દ્વારા નહેરૂ ચોકડી વિસ્તારમાં જાહેર શૌચાલય બને તેવી લોકો માંગ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.