રાજકીય ભૂકંપ:જિલ્લા કૉંગ્રેસના પૂર્વ મહામંત્રીએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપતાં રાજકીય ભૂકંપ

દહેગામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાજેતરમાં જ પૂર્વ ધારાસભ્ય અને તેમના પતિ પણ કૉંગ્રેસ છોડવાના મૂડમાં હતા
  • પાર્ટીમાં​​​​​​​ નાના સમાજોની સતત અવગણનાનું કારણ દર્શાવી રાજીનામું આપ્યું : સુહાગ પંચાલ

દહેગામ તાલુકાના ઔદ્યોગિક વિસ્તાર એવા ઝાક ગામના સરપંચ અને ગાંધીનગર જિલ્લા કૉંગ્રેસના પૂર્વ મહામંત્રી તેમજ અરવલ્લી માલપુરના પ્રદેશ પ્રતિનિધિ રહી ચૂકેલા સક્રિય કૉંગ્રેસ અગ્રણીએ પક્ષમાં નાના સમાજની થઈ રહેલી સતત અવગણનાને કારણે કૉંગ્રેસ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દેતાં વિધાનસભાની ચૂંટણી ટાણે રાજકીય ભૂકંપ સર્જાયો છે.

દહેગામ તાલુકાના ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા ઝાક ગામના 2 ટર્મના સરપંચ અને જિલ્લા કૉંગ્રેસના પૂર્વ મહામંત્રી તેમજ અરવલ્લી જિલ્લાના માલપુરના પ્રદેશ પ્રતિનિધિ રહી ચૂકેલા સુહાગભાઈ ભરતભાઈ પંચાલે પક્ષમાં સતત તેમની થઈ રહેલી અવગણના ટિકિટ આપવાની વાત હોય, હોદ્દો આપવાનો હોય તેવા સમયે પંચાલ જેવા નાના સમાજમાંથી આવતા હોવાના કારણે તેમની અવગણના કરાતી હોવાના કારણો આપી ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખને કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપતા હોવાનો પત્ર પાઠવ્યો છે.

આ અંગે ઝાક ગામના સરપંચ સુહાગભાઈ પંચાલને પૂછતા તેમણે કોંગ્રેસ પાર્ટી માટેનાં નાના મોટા કામો માં સક્રિય રહી સતત દોડતા હોવા છતાં તેમની અવગણના કરાતી હોવાના લીધે રાજીનામું આપ્યું હોવાનું અને હાલ કોઇ પણ પક્ષમાં જોડાવા અંગે નક્કી નહીં કર્યું હોવાનું પણ જણાવ્યું હતું. મહત્ત્વનું છે કે તાજેતરમાં જ દહેગામનાં પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ અને તેમના પતિ પણ કૉંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડવાના હોવાની વાતે પણ રાજકીય ચર્ચાનું ચકડોળ ફરતું થયું હતું. જોકે આ વાત માત્ર અફવા પુરવાર થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...