મોટાપ્રમાણમાં ઉત્પાદન અને વેચાણ:દહેગામ તાલુકાનાં ફાલસા,રાયણ અને જાબું અન્ય રાજ્યોમાં વેચાય છે; મુંબઈ, દિલ્હી અને રાજસ્થાનના વેપારીઓ ખરીદી કરે છે

દહેગામ25 દિવસ પહેલાલેખક: શરીફ શેખ
  • કૉપી લિંક
દહેગામના ખેડૂતો પાસેથી માલ ખરીદવા વેપારીઓ ભીડ જમાવે છે. - Divya Bhaskar
દહેગામના ખેડૂતો પાસેથી માલ ખરીદવા વેપારીઓ ભીડ જમાવે છે.
  • ગોળવા, ગિલોરી અને પારસ જાતિના જાંબુ વેચાણ અર્થે આવે છે

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં રાયણ,ફાલસા અને જાંબુનુ મોટાપ્રમાણમાં ઉત્પાદન થાય છે. રાયણ ફાલસા અને જાંબુ રાજ્યના વિવિધ જિલ્લાઓ ઉપરાંત મહારાષ્ટ્રના મુંબઈ ઉપરાંત દિલ્હી અને રાજસ્થાનના વેપારીઓ પણ ખરીદી તેમના રાજ્યમાં લઈ જાય છે.આ રીતે દહેગામ તાલુકાનાં ફાલસા,રાયણ અને જાબુંની અન્ય રાજ્યમાં માગ છે.

જૂનના અંત બાદ જાંબુનું દૈનિક 100 મણથી વધુ વેચાણ
દહેગામના સુવિધાપથ પાસે હાલ દૈનિક 25 થી 30 મણ ગોળવા, ગિલોરી અને પારસ જાતિના જાંબુ વેચાણ અર્થે આવે છે. જ્યારે ફાલસા 30થી 35 મણ અને રાયણ 50 થી 60 મણ વેચાણ માટે વેપારીઓ દ્વારા લવાતા હોય છે. જૂનના અંત બાદ જાંબુ દૈનિક 100 મણથી વધુ વેચાણ માટે આવતા હોય છે. હાલ ફાલસાનો પ્રતિ મણનો ભાવ 2800 થી 3000 રૂપિયાનો છે. જ્યારે રાયણ 2000થી 4000 રૂપિયા પ્રતિ મણના ભાવે વેચાય છે.

ખરીદેલો માલ ટ્રેન દ્વારા લઈ જવાય છે : સ્થાનિક વેપારી
ગિલોરી જાંબુ 1500 થી 2000 રૂપિયા, ગોળવા જાંબુ 1000 થી 1500 તેમજ પારસ જાંબુ પણ 1500 થી 2000 પ્રતિ મણના ભાવે ખરીદ વેચાણ થાય છે. રાયણ ફાલસા અને જાંબુ દહેગામ તાલુકા ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લાઓ તેમજ મુંબઇ દિલ્હી અને રાજસ્થાનના વેપારીઓ ખરીદી કરે છે તેઓએ ખરીદેલો માલ ટ્રેન દ્વારા લઈ જતા હોવાનું રાજુભાઈ અને વિક્રમભાઈ (પીન્ટુભાઈ)નામના સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું.

આ ફળની ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં મોટાપ્રમાણમાં માગ
દહેગામ તાલુકામાં રાયણ, ફાલસા અને જાંબુનુ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે.અને તેનુ વેચાણ ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાં સારા પ્રમાણમાં થઈ રહ્યુ છે ઉનાળાની સિઝનના ફળ ગણાતા રાયણ, ફાલસા અને જાંબુનું ઔષધિ તરીકે પણ ખાસ સેવન કરવામાં આવે તો તેનાથી લોકોને કેટલીક બીમારીઓમાં લાભકારક સાબિત થતા હોવાથી આ તમામ ફળની ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં મોટાપ્રમાણમાં માગ રહે છે અને તેથી ખેડૂતો દ્વારા તેનુ વેપારીઓને વેચાણ કરાય છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ રામબાણ ઈલાજ છે
જામુન શોટ નામનું પીણું વધારે પ્રમાણમાં પ્રચલિત બન્યું છે. ડાયાબિટિસના દર્દીઓ માટે જાંબુ એક રામબાણ ઔષધિ છે. જાંબુને ડાયાબિટિશના દર્દીઓમાટેનું અમૃત ફળ કહેવામાં આવે છે.જાબુંના ઠળિયા, છાલ, ગર્ભ ડાયાબિટિશના દર્દીઓ માટે ફાયદાકારક છે. ડાયાબિટીસનાં દર્દીઓએ મોસમને અનુરૂપ જાંબુનો ઉપયોગ ઔષધિના રૂપમાં ખુબ કરવો જોઈએ. જાંબુના ઠળિયામાં જામ્બોલીન નામનું તત્વ હોય છે. જે લોહીમાં સ્ટાર્ચને શર્કરામાં બદલતા રોકે છે. જાબું ભારતીય બ્લેકબેરી તરીકે પણ ઓળખાય છે. તેમાંથી પ્રોટીન, વિટામીન, એન્ટીઓકિસડન્ટ, ફ્લેવોનોઈડઝ, મેંગેનીઝ, પોટેશિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ જેવા તત્વો મળે છે.

રાયણમાં અઢળક પોષક તત્વો રહેલા છે
રાયણ એક ગુણકારી ફળ છે.તેમાં અઢળક પ્રમાણમાં પોષકતત્ત્વો રહેલાં છે રાયણના ફળથી માંડીને તેના ઝાડના મૂળિયાં, ડાળીઓ, છાલ, પાંદડાં, લાકડું અને તેના ફુલ પણ બિમારીમાં ઔષધીનું કામ કરે છે. રાયણમાં અનેક વિટામિન અને ખનીજનો સ્ત્રોત રહેલો છે. તેમાં પ્રોટીન હોય છે ઉપરાંત તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને લોહતત્ત્વ રહેલું છે. સ્વાથ્યની કેટલીય સમસ્યાઓમાં રાયણ દવાનું કામ કરે છે .

ફાલસા એન્ટીઑક્સિડન્ટનું કામ કરે છે
ફાલસા એન્ટીઑક્સિડન્ટ, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, આયર્નથી ભરપૂર હોય છે. આ મિનરલ્સને કારણે તે ગરમીમાં લાગતી લૂથી બચાવે છે. ફાલસા ખાવાથી ઉલટી થવી, ગભરામણ થવી, એકાએક તાવ આવવો જેવા લક્ષણોમાં આરામ મળે છે. ગરમીની સિઝનમાં નિયમિત ફાલસાનું સેવન કરવાથી કે તેનું શરબત બનાવીને પીવાથી ચિડીયાપણું દૂર થાય છે. આ રીતે ફાલસા ઉનાળાની ગરમીમાં ખાસ રાહત આપે તેવુ ફળ માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...