રજૂઆત:દહેગામમાં મહિલાના મોત બાદ પણ રખડતાં ઢોરનો ત્રાસ યથાવત્: 7 વર્ષના બાળક પર હુમલો કરતા ઇજા

દહેગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ ગુનો ના નોંધે તો કોર્ટની રાહે કાર્યવાહી કરવાની બાળકના પિતાની ચીમકી
  • રખડતાં ઢોરો મુદ્દે કલેક્ટર-મામલતદાર સામે પોલીસ કેસ કરવા લેખિત રજૂઆત

દહેગામ વિસ્તારમાં રખડતાં ઢોરનો આંતક અટકવાનું નામ લેતો નથી. 6 ફેબ્રુઆરીના રોજ મહિલાના મોત બાદ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પરિવારજનોની લડતને પગલે તે સમયે ઢોર માલિક અને પાલિકાના જવાબદાર અધિકારીઓ સામે ગુનો પણ નોંધાયો હતો. થોડા દિવસ પહેલાં રખડતી ગાયે એક્ટિવા ચાલકને અડફેટે લેતા ગંભીર ઇજાઓ થઈ હતી. ત્યારે હવે શનિવારે વધુ બે લોકો રખડતા પશુના હુમલાનો ભોગ બન્યા છે. સાત વર્ષના બાળક સહિત બે પિતરાઈ ભાઈઓ પર ગાયે હુમલો કર્યો હતો. જો લોકો દોડી આવ્યા ન હોત તો કોઈનો જીવ પણ જાય તેવી સ્થિતિ હતી.

જે મુદ્દે પરિવારમાં રોષની લાગણી છે, ત્યારે બાળકના પિતાએ સમગ્ર મુદ્દે કલેક્ટર, દહેગામ મામલતદાર, પાલિકા ચીફ ઓફીસર, પાલિકાના અધિકારીઓ અને ઢોર માલિક સામે ગુનો નોંધવા માંગણી કરી છે. આ મુદ્દે અશ્વિન ડાહ્યાભાઈ રાઠોડે દહેગામ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. અરજીમાં થયેલી રજૂઆત મુજબ તેઓનો પુત્ર શૌર્ય અને ભત્રીજો હાર્દિક સોમનાથ સોસાયટીમાં જાદુગરનો શો જવા ગયા હતા. ત્યારે રખડતી ગાયે હુમલો કર્યો હતો, આજુબાજુમાંથી બધા દોડી આવતા ગાયના ભગાડી હતી. અરજીકર્તાના દાવા મુજબ ઘટના બાદ તેઓએ કલેક્ટર, દહેગામ મામલતદાર, ચીફ ઓફીસરનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. પરંતુ એકપણ અધિકારીએ કોલ ઉપાડ્યો ન હતો.

કોર્ટના માધ્યમથી ફરિયાદ દાખલ કરવાની ચીમકી
બાળકના પિતાની રજૂઆત મુજબ દહેગામ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ છે, જેનાથી ગમે તે વ્યક્તિને ગમે ત્યારે જાનહાની થવાની સંભાવના રહેલી છે. ઘણા વ્યક્તિઓએ જીવ પણ ગુમાવ્યા છે, ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા ગુનાહિત બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ રજૂઆતમાં કરાયો છે. હાલમાં પણ આ તેઓની બેદરકારી ચાલુ હોવાના દાવા સાથે સમગ્ર મુદ્દે તમામ સામે પોલીસ ફરિયાદ કરવાની માંગણી કરી છે. જો અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોર્ટના માધ્યમથી ફરિયાદ દાખલ કરવાની ચીમકી બાળકના પિતાએ ઉચ્ચારી છે.

જેમાં પોલીસને કાર્યવાહી ન કરવા બદલ પક્ષકાર બનાવાની વાત કરાઈ છે. દહેગામમાં ગાયના હુમલાથી મહિલાના મોત બાદ પાલિકાએ ઢોર પકડવાની કામગીરી શરૂ કરતાં લાગતું હતું કે હવે દહેગામના રસ્તાઓ પર કોઈ ઢોર નહીં દેખાય પરંતુ સમય જતાં સ્થિતિ જૈસે થે બની ગઈ હતી. પાલિકા દ્વારા 18-19 દિવસના ગાળામાં માત્ર 42 જેટલા જ ઢોર પકડાયા છે.