જૈનોના પવિત્ર તીર્થ પાલીતાણા ખાતે અસામાજિક અને માથાભારે તત્ત્વોની વધેલી કનડગત તેમજ સમેત શિખરજી જેવા પવિત્ર તીર્થ સ્થાનને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની નીતિ તેમજ ગેર કાયદેસરની ખનન પ્રવૃત્તિ વગેરે જેવા દુષણો ને સરકારના ધ્યાન ઉપર લાવવા દહેગામ તાલુકા જૈન સમાજ દ્વારા લાવવા એક શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે રેલીમાં દહેગામ શહેર અને તાલુકાના દિગ્મબર અને શ્વેતાંબર જૈન ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રેલીનું પ્રસ્થાન અમદાવાદ રોડ પર આવેલા દાદાવાડી દેરાસર ખાતેથી થયું હતું. જે રેલી દાદાવાડી થઈ એસ ટી સ્ટેન્ડ, લાલજીમહારાજ ગેટ, પંકજ સોસાયટી, જુની મામલતદાર કચેરી, સરકારી દવાખાના થઈ બારોટવાડા, ઘેલશાહના મહોલ્લા, સોનીબજાર, નાયકની ખડકી, ખારાકૂવાના ખાંચો, કંદોઈની ખડકી, જુના બજાર જૈનવાડી, આથમણા દરવાજા થઈ, ઋષિલમોલ થઈ આનંદ ફ્લેટ થઈ જીઈબી કચેરીથી દાદાવાડી દેરાસર ખાતે પરત ફરી હતી.
દહેગામ ખાતે જૈન સમાજ દ્વારા યોજવામાં આવેલી મહારેલીમાં શહેર અને તાલુકાભરમાંથી જૈન ભાઈ બહેનો અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહી જીન શાસનની એકતાના દર્શન કરાવ્યા હતા. રેલીમાં જોડાયેલા અગ્રણીઓએ પાલીતાણા અને સમેત શિખરજી જેવા પવિત્ર યાત્રાધામોને દૂષણોથી બચાવવા સરકાર તાત્કાલિક અસરથી યોગ્ય પગલાં લેવા માગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.