આઝાદીની અમરગાથાઓની કહાનીઓમાં કેટલાય શહીદોનાં બલિદાનોની વ્યથા અને કથાઓ છુપાયેલી છે. આઝાદીના જંગની પરાકાષ્ટા કોઈ રાતોરાત એક દિવસમાં આવી નથી જેમાં કેટલાય નામી અનામી શહીદોએ પોતાના જીવનના અમૂલ્ય સમયનો ભોગ આપી જિંદગીનું બલિદાન પણ આપ્યુ છે જંગના આ ઇતિહાસમાં દહેગામ પણ પાછું નહોતું પડ્યું. વાત 1942ની હિંદ છોડો ચળવળની છે.
જ્યારે જ્યારે સરકારી તંત્ર દ્વારા સ્વાતંત્ર પર્વ હોય કે પ્રજાસત્તાક દિવસ ની ઉજવણીનાં કાર્યક્રમો આપવામાં આવે છે ત્યારે ત્યારે જોશભેર ઉજવણીની તૈયારીઓ કરાય છે. પણ આઝાદીની અતીતના પાયાનાં સેનાનીઓ ક્યારેક આ નોકરશાહીમાં વિસરાઈ જાય છે. અને આવું જ સ્થાનિક તાલુકા અને શહેરનાં સ્વાતંત્ર્યસેનાનીઓ સાથે થાય છે,તેઓ ભૂલાય છે. અતીતનાં ઇતિહાસને નજર અંદાજ કરી રંગારંગ ઉત્સવનાં ઘોંઘાટમાં આ સેનાનીઓના બલિદાનનોની ચીખો દબાઈ જાયછે તે એક કરુણાંતિકા છે.
મ્યુનિસિપલ હાઈસ્કૂલ મેદાનમાં યોજાતા જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરાય છે પરંતુ તેના બે ચાર દિવસ બાદ રોપાઓ ગાયબ થાય છેએક તરફ શહેરમાં શહીદોની યાદમાં ઉભું કરાયેલું વિરાંજલી વન વેરાન બન્યુ છે ત્યારે દહેગામમાં જ્યારે જ્યારે પણ જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વ કે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઇ છે ત્યારે ધ્વજારોહણ કરવા માટે આવતા મંત્રીઓના હસ્તે મેદાનની બાઉન્ડ્રીમાં વૃક્ષારોપણ કરાયા છે પરંતુ તેમાંના એકાદ બે વૃક્ષો સિવાય બીજા વૃક્ષ હયાત રહેતા નથી જે એક કરવા ખાતર કરવાની પ્રવૃત્તિ બની છે જે પણ એક મોટી કમ નસીબી છે.
સ્વતંત્રસેનાની ફૂલવદન બ્રહ્મભટ્ટના હસ્તે બનેેલું શહેરનું વિરાંજલી વન પણ વેરાન બન્યું
સ્વાતંત્ર સંગ્રામની ચળવળનાં 150 માં વર્ષની ઉજવણીનાં ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતાં તે સમયે શહીદોને શ્રદ્ધાંજલી આપવા વિરાંજલી વન ઉભા કરવાનાં કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, દહેગામ ખાતે પણ શહેરનાં અંતિમધામની આસપાસ સ્વતંત્ર સેનાની ફુલવદન બ્રહ્મભટ્ટનાં હસ્તે વીરાંજલી વનમાં વિવિધ પ્રકારના વૃક્ષારોપણ કરી વન ઊભું કરાયું હતું.
જે આજે તંત્રની જાળવણીના અભાવે વેરાન બન્યું છે ત્યાં એકપણ પ્રકારનાં વૃક્ષ કે સામાન્ય રોપાઓ પણ દેખાતા નથી તત્કાલીન સમયે લગાવેલું વીરાંજલી વનનું પાટીયું પણ ગાયબ છે આરંભે શૂરાની જેમ માત્ર કરવા ખાતર કાર્યક્રમો યોજી દેવાય છે તેની દરકાર પણ લેવાતી નથી તેનો ઉત્તમ નમૂનો છે. સ્વ.ફુલવદન બ્રહ્મભટ્ટને વિરાંજલી વન પ્રત્યે એટલો લગાવ હતો કે તેઓએ મૃત્યુનાં થોડા દિવસો પહેલા તેમના પરિવારજનોને સ્મશાન ગૃહમાં પ્રવેશ કરાવતાં પહેલા તેમની નનામી વિરાંજલી વનનાં વૃક્ષ નીચે મૂકી અંતિમયાત્રા માટે આગળ વધારવામાં આવે તંત્રની બેદરકારીને કારણે વિરાંજલી વન વેરાન થયું છે.
ફૂલવદન બ્રહ્મભટ્ટે અંગ્રેજો સામે માથું ઉચક્યું હતું
રાતના કાળાડિબાંગ વાદળો અને વીજળીની ગર્જના વચ્ચે એક યુવક વાત્રકનાં કેડસમા પાણીમાં ઉતરી સામે કિનારે જઈ રહ્યો હતો તેના પગ છોલાયાં હતા નદીનાં કોતરોનાં ઉબડ ખાબડ રસ્તાએ તેના ઝભ્ભાનાં લીરા ઉડાવ્યા હતાં જુસ્સા અને ખુમારી ભર્યા ચહેરે તે વાત્રક નદીનાં બીજા કિનારે આવેલા ગામોમાં અંગ્રેજી હુકુમત વિરોધી પત્રિકાઓ વહેંચવાં રાતના અંધકારમાં નિકળ્યો હતો.
મેજર એકવિનો યુવકને શોધી રહ્યો હતો જે અંગ્રેજો વિરુદ્ધની પત્રિકાઓ લખી ગામેગામ વહેચતો અને જંગની આ ચળવળને જુસ્સાભેર બનાવી રહ્લો હતો તે માટે મેજર એકવિનો નામનાં અંગ્રેજ અમલદારે નદીકાંઠાના વિસ્તારોમાં યુવકને ઝડપી લેવા વોચ આદરી હતી તે યુવક હતો દહેગામનાં સ્વાતંત્ર્ય સેનાની સ્વ.ફુલવદન બ્રહ્મભટ્ટ માત્ર 18 વર્ષની યુવાની વખતે ફુલવદન બ્રહ્મભટ્ટે અંગ્રેજો સામે બગાવતનું માથું ઉચક્યું હતું.
એક વખતે નાળીયામાંથી પસાર થતી વેળા મેજરે તેઓની ધરપકડ કરી હતી અને ઘેલશાહનાં મહોલ્લાનાં ચોકમાં લાવી તેમનાં પગ પર લાકડીઓ વરસાવી અંગૂઠો તોડી નાંખવાનો હુકમ કરી તુમ્હે સ્વરાજ કહીએ કહી પગનો અંગુઠો તોડી નાંખ્યો હતો. આટલા અત્યાચાર છતાં પણ તેઓ રોકાયા ન હતા તેની જાણ ફરી આ અમલદારને થતા તેમની ધરપકડનું વોરંટ કાઢતાં ફૂલવદન બ્રહ્મભટ ગુપ્તવાસમાં ચાલ્યાં ગયા હતા. પાછલી અવસ્થામાં તેઓ એક સારા પત્રકાર ઉત્તમ વક્તા અને ઉમદા વ્યક્તિત્વ તરીકેનું જીવન જીવ્યા હતા .5 માર્ચ 2012માં તેઓનું અવસાન થયું હતું.
ઉજવણી સ્થળના સ્ટેજની પાછળ જ શહીદની ખાંભીની કરુણ અવદશા
દહેગામની મ્યુ. હાઇસ્કુલનાં જે મેદાનમાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી થવાની છે તે મેદાનમાં સ્ટેજથી માત્ર સો ફૂટ પાછળજ કુમાર શાળા કમ્પાઉન્ડમાં પીંપલજનાં સ્વાતંત્ર્ય સેનાની સુરેશભાઈ જોશીની ખાંભીનું સ્મારક છે જે બિસ્માર છે.ત્યાં કોઈ મંત્રી,અધિકારી કે રાજકીય પક્ષના આગેવાનો શ્રદ્ધાંજલિ આપવા ગયા નથી આ ખાંભી નજીક એટલી ગંદકી છે કે ખરેખર જિલ્લાકક્ષાની ઝાકમઝોળ ઉજવણી કરતાં તંત્રએ શરમ કરવી જોઈએ.
સ્થાનિક સ્વાતંત્રસેનાનીઓને વિસરવાની તંત્ર દ્વારા અસંખ્ય વખત ભૂલો થાય છે
દહેગામમાં વર્ષ 2006માં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી ત્યારે તે વખતના કેબિનેટ મંત્રી સ્વ. અશોક ભટ્ટના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તે વખતે પણ દહેગામ અને તાલુકાના સ્વતંત્ર સેનાનીઓ અને તંત્ર ભૂલી ગયું હતું તે સમયે તંત્ર દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓને આમંત્રણ સુદ્ધા અપાયું ન હતું જેની ખાસ નોંધ દિવ્યભાસ્કરે લીધી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.