વિવાદ વકર્યો:દહેગામ તાલુકા સોસાયટીના કબજાનો વિવાદ વકર્યો જમીન માલિકના વારસદારોએ રાતવાસો કર્યો

દહેગામ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
દહેગામ તા.કો.ઓ. પ્રોસેસિંગનો કબજો મેળવવા જમીન માલિકના વારસદારોએ ઓફિસને તાળાં મારી દઈ રાતવાસો કરી કબજો જમાવ્યો હતો. - Divya Bhaskar
દહેગામ તા.કો.ઓ. પ્રોસેસિંગનો કબજો મેળવવા જમીન માલિકના વારસદારોએ ઓફિસને તાળાં મારી દઈ રાતવાસો કરી કબજો જમાવ્યો હતો.
  • કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો
  • ભાડા કરાર પૂર્ણ થવા છતાં કબજો તેના મૂળ માલિકોના વારસદારોને પાછો અપાતો નથી

દહેગામ તાલુકા કો-ઓપરેટીવ પ્રોસેસિંગ સોસાયટીની જગ્યાને 99 વર્ષના ભાડાપટ્ટે વારસદારોના વડિલોએ આપી હતી. મુદ્દત પૂર્ણ થવા છતાં સોસાયટી દ્વારા જગ્યા ખાલી કરવામાં નહી આવતા વારસદારો કબજો મેળવવા રાતવાસો કર્યો હતો.

દહેગામના એસ.ટી સ્ટેન્ડ પાસે આવેલી તાલુકાની અગ્રેસર ગણાતી દહેગામ તાલુકા કો-ઓપરેટીવ સોસાયટી લી.ની જમીનનો વિવાદ દિવસેને દિવસે ઘેરાતો જઈ રહ્યો છે. જમીનનો 99 વર્ષનો ભાડા કરાર પૂર્ણ થવા છતાં તે જગ્યાનો કબજો તેના મૂળ માલિકોના વારસદારોને પરત નહી કરાતા વારસદારો તેમના પરિવારજનો સાથે ગુરૂવારથી તાલુકા કો-ઓપરેટીવ પ્રોસેસિંગ સોસાયટીની ઓફિસ ખાતે આવીને બેસી ગયા હતા. તેઓ કબજો મેળવવા માટે મહિલાઓ અને વડીલો સાથે સામુહિક રાતવાસો પણ કર્યો હતો.

ઉપરાંત કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડની ઓફિસે લગાવેલા તાળા પર પોતાના તાળાં મારી દઈ નોટીસ લગાવી દીધી હતી. જેના કારણે શુક્રવારના રોજ સોસાયટી લિ.ના કર્મચારીઓ અને ડિરેક્ટરોને સંસ્થાના કામકાજ માટે બેસવા અન્યત્ર જગ્યાએ જવું પડ્યું હતું. સંસ્થાના ડિરેક્ટરો દ્વારા જમીન માલિકોના વારસદારોને અમારી મિલકત છે તેમ જણાવાયું હતું. જેના જવાબમાં વારસદારોએ તમારી મિલકત હોય તો અહીંથી ખસેડી લો અને અમને અમારી જમીન પાછી આપો તેવી પણ ચર્ચાઓ થઈ હતી.

આવી પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જાળવવા દહેગામ પોલીસેે બંદોબસ્ત ગોઠવ્યો હતો. દહેગામ તાલુકા પ્રોસેસિંગ સોસાયટીના ડિરેક્ટરો તેમજ જમીન માલિકોના વારસદારો વચ્ચે મંત્રણા ચાલી રહી છે પરંતુ તેનો ઉકેલ આવ્યો નથી. ઉપરાંત જમીન માલિકના વારસદારોએ જમીન માલિકની મંજૂરી સિવાય કોઈએ પ્રવેશ કરવો નહીં તેવી નોટિસ લગાવી છે.

અન્ય સમાચારો પણ છે...