ફરિયાદ:દહેગામના સાપામાં મજૂરોનાં મોત કેસમાં કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ

દહેગામ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોલ્ડ સ્ટોરેજમાં કામ કરતાં સમયે દીવાલ પડી જતાં મજૂરો દબાયા હતા

દહેગામ બાયડ રોડ પર સાંપા નજીક આવેલા એક કોલ્ડ સ્ટોરેજ ખાતે ગત તા. 16 ના રોજ નવનિર્મિત અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીની દીવાલમાં સેન્ટિંગનું કામ કરી રહેલા મજુર પર દિવાલ પડવાના કારણે બે મજૂરોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જ્યારે બે મજૂરોને ઇજાઓ થઈ હતી આ બનાવ અંગે કોલ્ડ સ્ટોરેજમાં કામ રાખનારા કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરોને સલામતીના સાધનો નહીં આપી બેદરકારી રાખી હોવાથી મૃતકના પુત્રે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ રખિયાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

દહેગામ બાયડ રોડ પર સાંપા નજીક દ્વારકેશ (માધવ) કોલ્ડ સ્ટોરેજ ખાતે ગત તા. 16 ના રોજ પાણીની નવીન ટાંકી બનાવવાનું કામ ચાલતું હોવાથી ચાર મજૂરો બપોરના બારેક વાગે સેન્ટીંગ લગાવવાનું કામ કરી રહ્યા હતા તે સમયે અચાનક દિવાલ ઘસી પડી હતી અને ચારેય મજૂરો તેમાં દટાઈ ગયા હતા. દિવાલ પડવાના કારણે રમણભાઈ વેલજીભાઈ પારધી (ઉં.વ.40) તેમજ મહેન્દ્ર લાલજીભાઈ પારધી (ઉં.વ. 22) બંને (રહે-અંબાદરા, તાલુકો આનંદપુરી જીલ્લો ડુંગરપુર રાજસ્થાન)નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે ગોરધનજી ફકીરભાઈ પ્રજાપતિ (ઉં.વ.70) રહે રાયપુર તાલુકો જીલ્લો ગાંધીનગર તેમજ લલીતભાઈ રમણભાઈ પારધીને ઇજાઓ થઈ હતી.

આ બનાવ અંગે મૃતક રમણભાઈ વેલજીભાઈ પારઘીના ના પુત્ર લલિત રમણભાઈ પારઘી એ કોલ્ડ સ્ટોરેજના કામનો કોન્ટ્રાક્ટ રાખનાર મહેન્દ્રભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ (રહે-ગોવર્ધન ગેલેક્સી બંગલો નરોડા, અમદાવાદ) વિરુદ્ધ મજૂરોને ગમ બુટ, હેલ્મેટ કે અન્ય સલામતીના સાધનો નહીં આપી બેદરકારી દાખવી હોવા અંગે રખિયાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, જે કોન્ટ્રાક્ટરે કામ રાખ્યું હતું તે કોન્ટ્રાક્ટરે મજૂરોને સલામતીના સાધનો નહીં આપી બેદરકારી રાખતા દીવાલ પડવાની ઘટનામાં 2 મજૂરના મોત થયા હતા. જેથી ફરિયાદ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...