બે વિદ્યાર્થી ગુમ:રિક્ષામાં સવાર 2 વ્યક્તિ સ્કૂલના ગેટથી મોઢું દબાવી ઉઠાવી ગયાનું બાળકોનું રટણ

દહેગામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

દહેગામ શહેરની લિટલ એન્જલ્સ સ્કૂલના ધોરણ 6માં ભણતા બે વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી ગુમ થઈ ગયા હતા તેથી તેમને સ્કૂલ છૂટવાના સમયે તેમને લેવા આવેલા વાલીઓ તેમના બાળકો સ્કૂલમાં ન હોવાથી ખૂબ જ ચિંતિત બન્યા હતા. ત્યારબાદ કોઈ અજાણી વ્યક્તિનો ફોન આવતા કે તમારા બાળકો અમદાવાદના કૃષ્ણનગર એરિયામાં છે. તેથી તેમના વાલી ત્યાં દોડી ગયા હતા. કૃષ્ણનગરથી મળી આવેલા વિદ્યાર્થીઓએ 2 રિક્ષામાં સવાર 2 વ્યક્તિ તેમને સ્કૂલના પાછળના ગેટ પરથી ઉઠાવી ગયા હોવાનું જણાવી રહ્યા હતા.

દહેગામ શહેરમાં આવેલી લીટલ એન્જલ્સ સ્કૂલના ધોરણ છ માં અભ્યાસ કરતા જીલય કમલેશભાઈ જયસ્વાલ અને રુદ્ર રાકેશભાઈ ઠાકોરના વાલી તેમના બાળકોને શાળા છૂટવાના સમયે સ્કૂલ ખાતે લેવા આવ્યા ત્યારે બંને બાળકો હાજર ન હતા. જેથી શાળાના અન્ય વિદ્યાર્થીઓએ બંનેની સ્કૂલબેગ ક્લાસરૂમમાંજ હોવાનું જણાવ્યું હતું અને તેઓ પોતાના બાળકો સ્કૂલમાં નહીં હોવાથી ખૂબજ ચિંતિત બની બંને બાળકોને શોધવા માટે દોડાદોડ કરી મૂકી હતી.

થોડીક વારમાં અમદાવાદના કૃષ્ણનગરથી કોઈ વ્યક્તિનો ફોન આવ્યો અને જણાવ્યું કે બે વિદ્યાર્થીઓ અહીં ઊભા છે જેથી વાલીઓ તેમને લેવા દોડી ગયા હતા અને સ્કૂલ ખાતે પરત લાવ્યા હતા. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ તે બંને લઘુશંકા કરવા માટે સ્કૂલના પાછળના ગેટ તરફ ગયા ત્યારે રિક્ષામાં સવાર બે વ્યક્તિઓ તેમનો મોઢું દબાવી કૃષ્ણનગર તરફ લઈ ગયા હતા. જ્યાં રિક્ષા ધીમી પડતા બંને બાળકો કૂદી પડ્યા હતા અને રસ્તે જનાર વ્યક્તિના પાસેથી ફોન લઈ તેમના પિતાને ફોન કરતા તેઓ લેવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ આ બનાવ બાદ વિદ્યાર્થીને લઈ વાલીઓ સ્કૂલ ખાતે પરત આવ્યા ત્યારે સ્કૂલના સંચાલકો હાજર નહીં હોવાથી તેઓ રોષે ભરાયા હતા અને સ્કૂલના પ્રિન્સિપાલ ફોન પણ રિસીવ નહીં કરતા હોવાનું જણાવ્યું હતું આ બનાવ અંગે શાળાના પ્રિન્સિપાલ શ્વેતા દવેનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ગુમ થયા હોવાની જાણ થતા જ મેં વિદ્યાર્થીઓના વાલીઓને ફોન કરી જાણ કરી હતી.

થોડીવારમાં બાળકો મળી આવ્યા હોવાનો મેસેજ મળતા અને સ્કૂલનો ટાઈમ પૂર્ણ થઈ ગયો હોવાથી સ્કૂલમાં હાજર નહીં હોવાનું જણાવ્યું હતું વધુમાં તેમણે ગુમ થઈને પરત મળી આવેલા વિદ્યાર્થીઓએ સવારે શાળાના પટાવાળા બહેનને આંબલીયારા ક્યાંથી જવાય તે અંગે પૂછપરછ કરી હોવાનું જણાવ્યું હતું આ અંગે મંગળવારે બંને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને બોલાવી પોલીસને પણ જાણ કરાશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...