આરોગ્ય તંત્રનો વધુ એક છબરડો:રસીનો પહેલો ડોઝ લેનારા દહેગામના વેપારીને બંને ડોઝનું સર્ટિ. મળ્યું

દહેગામ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીએ દોષનો ટોપલો નર્સિંગ કૉલેજના સ્ટાફ પર નાખી દીધો

દહેગામમાં પાંચેક મહિના અગાઉ અવસાન પામેલા વૃદ્ધને કોરોનાની વેક્સિન અપાઈ હોવાનો મેસેજ તેમના પરિવારજનોને મળવાના બનાવની શાહી સુકાઈ નથી, તેવામાં આરોગ્ય તંત્ર દ્વારા વેક્સિનનો બીજો છબરડો બહાર આવ્યો છે, જેના કારણે વેક્સિનેશનની કામગીરી ફરી એક વાર શંકાના દાયરામાં મુકાઈ છે. શહેરના એક વેપારીએ કોવિશિલ્ડ વેક્સિનનો પહેલો ડોઝ 16 જુલાઈએ લીધો હતો, જેના 84 દિવસ બાદ બીજો ડોઝ લેવાનો હતો. તેમ છતાં તેમના મોબાઈલ નંબર પર બીજો ડોઝ લીધો હોવાનો મેસેજ આવ્યો હતો અને બંને ડોઝ પૂર્ણ થયા હોવાનું સર્ટિફિકેટ પણ જનરેટ થતાં વેપારી દ્વિધામાં મુકાયા છે.

આ અંગે અર્બન હેલ્થ સેન્ટરના વેક્સિનેશન ઑફિસરને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે વેક્સિનેશનની કામગીરીને વેગવંતી બનાવવા દરેક વિસ્તારોમાં કામગીરી કરવા માટે સ્ટાફ પૂરતો ન હોવાથી નર્સિંગ કૉલેજના સ્ટાફની મદદ લેવાઈ હતી. આથી કદાચ કોઈ રજિસ્ટ્રેશન કરતી વખતે મોબાઈલ નંબર નાખવામાં ભૂલ થઈ હશે, તેના કારણે સર્ટિફિકેટ બની ગયું હોવાનું જણાવી વેપારીને બીજો ડોઝ આપી નવેસરથી સર્ટિફિકેટ આપવાનું હોવાનું જણાવ્યું હતું.