ભાજપ શાસિત દહેગામ પાલિકામાં બે જૂથ વચ્ચેના વિખવાદને લઈને વિવિધ કમિટિના ચેરમેનોની નિમણુંકનો મામલો ગુંચવાયો છે. શુક્રવારે શરૂ થયેલ સામાન્ય સભામાં બે જૂથ વચ્ચેની મથામણો વચ્ચે સભા બે કલાક મુલતવી રાખવી પડી હતી, જે બાદ ફરી સભા શરૂ થઈ તેમાં પણ ઉકેલ ન આવતા અઠવાડિયા સુધી સભા મુલતવી રખાઈ હતી. કમિટિના ચેરમેનોના નામના પક્ષના મેન્ટેડ સાથે સંગઠનના બે નેતાઓ દહેગામ પહોંચ્યા હતા.
આ છતાં જિલ્લા ભાજપના પ્રભારી મહામંત્રી તેમજ મહામંત્રી પણ કોકડું ઉકેલવામાં નિષ્ફળ રહ્યા હતા અને સભ્યોએ પાર્ટીના મેન્ટેડનો ધ્યાને લીધો ન હતો. દહેગામ પાલિકામાં કમિટીની રચના બાબતે ભાજપમાં ચાલી રહેલો આંતરિક ડખો સપાટી પર પહોંચ્યો છે. શુક્રવારે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તે અગાઉ નવ વાગે જિલ્લા ભાજપના બે હોદ્દેદારો તેમજ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ભાજપના સદસ્યો સાથે કરવામાં આવી હતી.
ભાજપના 10 સભ્યો મારા સંપર્કમાં છે
વિપક્ષના નેતા પાલિકાના વિપક્ષનાં નેતા માર્ગેશ સક્સેનાએ જણાવ્યું હતું કે,‘ કોઈ પણ કારણ વિના સામાન્ય સભા સ્થગિત રાખી ભાજપે આંતર કલહના કારણે શહેરનો વિકાસ અટકાવી દીધો છે. ભાજપનો આંતરકલહ એટલો ઉગ્ર બન્યો છે કે તેમના 10 સદસ્યો છેલ્લા કેટલાક દિવસથી સતત મારા સંપર્કમાં છે. જેના કારણે આગામી દિવસમાં કઈ નવાજૂની પણ થઈ શકે.’
‘કોઈ સભ્ય નારાજ નથી, મેન્ડેટનો અનાદર નથી થયો’ : રમણ દેસાઈ
જિલ્લા ભાજપ મહામંત્રી રમણભાઈ દેસાઈએ કહ્યું હતું કે, ‘અમારી પાસે પૂરતો સમય ન હતો સામાન્ય સભા અગાઉ અમે પ્રિ બોર્ડ લાવી શક્યા ન હતા. જેથી તમામ સદસ્યો સાથે ચર્ચા કરીને આગામી સામાન્ય સભામાં કમિટીની રચના કરાશે. કોઈપણ સદસ્ય નારાજ નથી અને મેન્ડેટનો અનાદર પણ નથી થયો’ બીજી તરફ જિલ્લા પ્રભારી મહામંત્રી રમેશજી ઠાકોરે આંતરિક જૂથવાદનો ક્ષણભર મીડિયા સમક્ષ સ્વીકાર કર્યો હતો પણ ત્યારબાદ સદસ્યોમાં કોઈ જ વિવાદ નહીં હોવાનું જણાવતા કહ્યું હતું કે, ‘કમિટીઓના ચેરમેન અને સભ્યોનાં નામવાળું કવર બંધ કવર છે જે પ્રદેશ કાર્યાલય ખાતેથી સીલબંધ આપ્યું છે. તેમાં કોનું નામ છે તેની કોઈને ખબર નથી.’ આમ આ મામલે હવે આગામી દિવસોમાં આ બાબતે કેવો નિર્ણય લેવામાં આવે છે તે જોવાનું રહેશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.