છેતરપિંડી:બહિયલની દેરાણી-જેઠાણીએ સસ્તું સોનું મેળવવા 6 લાખ ગુમાવ્યા

દહેગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઘી વેચવા આવેલી મહિલાઓએ પૈસાની જરૂર હોવાનું જણાવી 6 લાખમાં નકલી લગડીઓ પધરાવી

ઘી વેચવા આવેલી મહિલાની સાથેની અન્ય 3 મહિલાએ રૂપિયાની જરૂર હોવાનું જણાવીને દેરાણી-જેઠાણીને રૂ. 6 લાખમાં નકલી સોનાની લગડીઓ પધરાવીને પલાયન થઈ ગઈ હતી. દેરાણી અને જેઠાણીએ અજાણી 4 મહિલા વિરૂદ્ધ ફરિયાદ આપતાં દહેગામ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. બહિયલ ગામે રહેતાં હાજરાબીબી હારૂનમિયા મલેકને ત્યાં એક વર્ષથી ગોગીબેન નામની મહિલા ઘી વેચવા આવતી હોવાથી હાજરબીબીનો પરિચય ગોગીબેન સાથે હતો.

2 જૂને ગોગીબેન અન્ય 3 મહિલા સાથે ઘી વેચવા આવી હતી. તેણે હાજરાબીબીને સોનાની લગડીઓ બતાવી પૈસાની જરૂર હોવાથી વેચવાની હોવાનું કહી એક લગડી આપી હતી. ત્યાર બાદ તેમણે ગામના સોનીને ત્યાં તપાસ કરાવતાં તે સોનાની જણાઈ આવી હતી. આથી હાજરાબીબીએ આ વાત તેમની દેરાણી શેરબાનુને કરતાં તેઓ પણ લગડી લેવા તૈયાર થયાં હતાં. ત્યાર બાદ ગોગીબેનને લગડી વેચવાનું કહેતાં તેણે 6 લાખ રૂપિયામાં દોઢસો ગ્રામ વજનની લગડીનો સોદો નક્કી કર્યો હતો.

હાજરાબીબી તથા તેમનાં દેરાણીએ 6 લાખ આપવાની તૈયારી કરતાં ગોગીબેને સાંજ પડી ગઈ હોવાથી રૂપિયા લઈ જવાનું જોખમ હોવાનું જણાવી દહેગામ નહેરૂ ચોકડી ખાતે આવવા જણાવ્યું હતું. આથી હાજરાબીબી, તેમના પતિ અને દેરાણી શેરબાનુ સાથે ઈકો ગાડીમાં દહેગામ નહેરૂ ચોકડી ખાતે આવ્યા હતા. જ્યાં ગોગીબેન તેમજ તેમની સાથેની મહિલાઓએ કપડાની થેલીમાં લગડીઓ આપી હતી. ત્યાર બાદ બહિયલ આવી સોનીને ત્યાં લગડીઓની તપાસ કરાવતા તે લગડી નકલી હોવાનું જણાવ્યું હતું. બીજી નકલી લગડી પધરાવી જનાર મહિલાઓની શોધખોળ કરવા છતાં મળી આવી નહોતી.

અન્ય સમાચારો પણ છે...