ફરિયાદ:દહેગામમાં પાલુન્દ્રાના રહીશના 40 હજાર સેરવી જતો ગઠિયો

દહેગામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેંકમાંથી 40 હજાર ઉપાડી થેલીમાં મૂકી ઓફિસ આવતા હતા
  • ફળ સંશોધન કેન્દ્રમાં ફરજ બજાવતા સેવકના પૈસા ચોરાતાં દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

દહેગામમાં બેંકમાંથી પૈસા ઉપાડીને નીકળેલા ગ્રાહકના થેલીમાં મૂકેલા 40 હજાર કોઈ ગઠિયો થેલીને ચેકો મારીને સેરવી ગયો હતો. આ બનાવથી શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર ગણેશપુરા ખાતે આવેલા ફળ સંશોધન કેન્દ્ર ખાતે સેવક તરીકે ફરજ બજાવતા કર્મચારી શહેરની એસબીઆઈ બેંક ખાતેથી પૈસા લઈને નીકળ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર પાલુન્દ્રા રહેતા વિનોદકુમાર ગુણવંતલાલ લીમ્બચીયા ગણેશપુરાના ફળ સંશોધન કેન્દ્ર ખાતે સેવક તરીકે ફરજ બજાવે છે. તેઓ ઓફિસના અધિકારી સાથે ચલણના 500 રૂપિયા જમા કરાવવા શહેરની એસબીઆઈ બેંકમાં ગયા હતા. પૈસાની જરૂર હોવાથી તેઓએ પોતાના ખાતામાંથી 40 હજાર રૂપિયા ઉપાડ્યા હતા.

પૈસા થેલીમાં મુકીને ઓફિસની ગાડીમાં તેઓ પરત ઓફિસ આવ્યા હતા. ઓફીસ આવીને જોતા થેલીમાંથી પૈસા ગાયબ હતા અને થેલીને બ્લેડથી ચીરો મારેલો હતો. જેને પગલે કોઈ ગઠિયો કરામત કરી ગયો હોવાનું ધ્યાને આવતા તેઓએ સમગ્ર મુદ્દે દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે બેંક અને આસપાસના સીસીટીવીના આધારે આરોપીને શોધી કાઢવા માટે કવાયત હાથ ધરી છે.આ બનાવથી નગરજનોમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...