વિપુલ ચૌધરીનો હુંકાર:અર્બુદા સેનાની માગોનો ઉકેલ નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહો : ચૌધરી

દહેગામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રખિયાલ ગામે અર્બુદા સેના દ્વારા સંગઠનની બેઠકમાં વિપુલ ચૌધરીનો હુંકાર

રાજ્ય સરકારની જેમ કેન્દ્ર સરકારમાં પણ ચૌધરી સમાજને ઓબીસીમાં સ્થાન આપવાની માંગણી કરી હતી. ઉપરાંત 1978 પહેલાં જાતિ અંગેની આધાર પુરાવા માંગતો પરિપત્ર રદ કરવાની માંગણી સાથે હુંકાર અમૂલ ફેડરેશનના પૂર્વ ચેરમેને વિપુલ ચૌધરીએ રખિયાલ ખાતે મળેલી અર્બુદા સેનાની સંગઠનની બેઠકમાં કર્યો હતો.

જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ ગામે અર્બુદા સેનાની સંગઠનની બેઠક પૂર્વ ગૃહમંત્રી અને અમૂલ ફેડરેશનના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. મંદિરે દર્શન કર્યા બાદ નીકળેલી બાઈક રેલી સ્થળે પહોંચી હતી. જ્યાં રખિયાલ ગામની અર્બુદા સેનાની મહિલા સેના દ્વારા માતાજીના ગરબા ગાઈને સ્વાગત કરવામાં આવ્યું હતું.

રખિયાલ ગામના યુવક મંડળના યુવાનો અને આગેવાનો ઉપરાંત પાટનાકુવા, સામેત્રી, ધણીયોલ, હાલીસા, વાસણા ચૌધરી, જલુન્દ્રા, છાલા, સાંપા, ઓત્તમપુરા વગેરે ગામના યુવાનો અને આગેવાનો દ્વારા વિપુલ ચૌધરીનું સન્માન કર્યું હતું. ઉપરાંત અર્બુદા સેનાના દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારનાં સભ્યોએ વિપુલ ચૌધરી સમક્ષ અર્બુદા સેનાના ફોર્મ જમા કરાવ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત વિપુલ ચૌધરીએ કહ્યું કે હવે સમાજની એકતા બતાવવાનો સમય આવી ગયો છે. ગુજરાતના ચૌધરી સમાજે એકઠા થવું પડશે. સામજિક સમરસતા સાથે દરેક સમાજને સાથે રાખીશું. ગુજરાતમાં ચૌધરી સમાજનો ઓબીસીમાં સમાવેશ થયો છે. તેવી જ રીતે આ કહેવાતી ડબલ એન્જિનની સરકારમાં કેન્દ્રમાં પણ ચૌધરી સમાજને ઓબીસીમાં સ્થાન આપવામાં આવે તેવું જણાવ્યું હતું.

તેમજ અર્બુદા સેના દ્વારા ઓબીસી વર્ગના ઉમેદવારો પાસેથી 1978 પહેલાના જાતિ અંગેના આધાર પુરાવા માંગતો પરિપત્ર રદ કરવા માંગ કરી હતી. વધુમાં તેમણે સરકાર પર આકરા પ્રહારો કરી આગામી સમયમાં રાજકીય પક્ષોના એજન્ડામાં અર્બુદા સેનાની માંગોનો સમાવેશ કરવામાં આવે નહીં તો તેનું પરિણામ ભોગવવાની પણ તૈયારી રાખે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...