અકસ્માત:દહેગામ એસટી સ્ટેન્ડ પાસે ટ્રકની ટક્કરે બાઈક પર જતાં વૃદ્ધાનું મોત

દહેગામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરવલ્લીના જૂના ઊટરડાના વૃદ્ધા ભત્રીજાના બાઈક પર દહેગામ ખરીદી માટે આવ્યા હતા, 2 લોકો ઘાયલ

દહેગામ એસટી સ્ટેન્ડ પાસે ટ્રકની ટક્કરે બાઈક પર જતાં વૃદ્ધાનું મોત થયું હતું. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જૂના ઊંટરડા ગામે રહેતા કલ્યાણસિંહ રૂમાલસિંહ ઝાલા (78 વર્ષ), તેમના પત્ની અમરતબેન (75 વર્ષ) ભત્રીજા ચંદનસિંહ રામસિંહ ઝાલા (33 વર્ષ)ના બાઈક પર દહેગામ ખાતે ખરીદી કરવા માટે આવ્યા હતા. બપોરે ખરીદી પતાવી બાઇક પર ઘરે જઈ રહ્યા હતા તે જ સમયે એસ.ટી. બસ સ્ટેશન પાસેના રોડ પર માતેલા સાંઢની જેમ પૂરઝડપે પસાર થઈ રહેલી ટ્રકે બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઈક પર સવાર 3 પૈકી અમરતબેન નીચે પટકાતા તેમના માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

જ્યારે બાઈક ચલાવી રહેલ ચંદનસિંહ તેમજ પાછળ બેઠેલા કલ્યાણસિંહને શરીરે ઇજાઓ થતાં બંનેને સારવાર અર્થે દહેગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર સારવાર અર્થે ખસેડાયા હતા. આ અંગેની જાણ દહેગામ પોલીસને થતાં પીએસઆઈ ડી.ડી.રાઠોડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી અકસ્માતને કારણે થયેલ ટ્રાફિક જામ દૂર કરાવી આ અકસ્માત અંગેની કાર્યવાહી હાથ ધરી હતી.

ટ્રાફિકથી ભરપુર રહેતાં આ વિસ્તારમાં છેલ્લા 2 મહિનામાં 3 દિવસના અકસ્માતની ઘટના બની છે. જેને પગલે રીંગરોડનું નિર્માણ કાર્ય ઝડપથી કરાવી મોટા વાહનો બાયપાસ કરાવાય તેવી માંગ પણ લોકોમાં ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...