દહેગામ તાલુકાના કંથારપુરા ગામે કબીરવડ જેવો વિશાળ ઐતિહાસિક વડલો આવેલો છે. 500 વર્ષ જુનો વડ મહાકાલીના વડથી પણ ઓળખાય છે. 2.5 વિઘામાં પથરાયેલા વડની ઊંચાઈ 40 મીટર જેટલી છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંદાજીત 16 કરોડનાં ખર્ચે કંથારપુરાનો યાત્રાધામ તરીકે વિકાસ કરાશે. તાજેતરમાં જ પ્રાંત અધિકારી જીતુભાઈ ભોરણીયા દહેગામના મામલતદાર ડો. જે. એમ. શાહ સહિતના અધિકારીઓ અને સર્વેયરોએ કંથારપુરા ગામે વડ તથા મંદિરની મુલાકાત લીધી હતી. જ્યાં સર્વેયરો દ્વારા માર્કિંગ કરી ખુંટ મારવામાં આવ્યા હતા.
પ્રથમ ચરણમાં 6 કરોડના ખર્ચે અહીં અષ્ટકોણ આકારમાં વાવ પ્રકારની બિલ્ડિંગ બનશે. જ્યાં ધ્યાન, યોગા સેન્ટર, આયુર્વેદિક સારવાર સેન્ટર, મ્યુઝિયમ, આઉટડોર ગાર્ડન અને પાર્કિંગ પ્લોટ સહિતની સુવિધાઓ સામેલ છે. જેનાથી કંથારપુરા સાચા અર્થમાં પ્રવાસન સ્થળ બની રહેશે. વાવ આકરની ત્રણ માળની બિલ્ડિંગની ઉંચાઈ વડની ઉંચી ન થાય અને વડની સુંદરતા જળવાય રહે તે માટે બે માળ ભૂગર્ભમાં બનાવશે મહત્ત્વનું છે કે વડલાનું મૂળ ક્યાં છે તે હજી સુધી નક્કી કરી શકાતું નથી, વડની વડવાઈઓની ગોદમાં જ મહાકાળી માતાનું પ્રાચીન મંદિર પણ આવેલું છે.
મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેકવાર કંથારપુર વડની મુલાકાત લીધી હતી અને તે સમયે તેમણે વડનો યાત્રાધામ તરીકે વિકાસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જે હવે પૂર્ણ થવાની શરૂઆત થઈ રહી છે.
વડની મધ્યમાંથી પસાર થતા મુખ્ય રોડને ડાયવર્ઝન અપાશે
મંદિર તથા વડને વિકસાવવાનું કામ શરૂ થાય તે પહેલાં મંદિર અને વડની મધ્યમાંથી પસાર થતા મુખ્ય રોડને ડાયવર્ઝન આપવાનું તેમજ એક દબાણ દૂર કરી પહેલા ફેઝમાં બિલ્ડીંગ બનાવવાનું અને બીજા ફેઝમાં વડને અને તેની વડવાઈઓને સંરક્ષિત કરવામાં આવશેે.
સવા વર્ષમાં પ્રથમ ફેઝનું કામ પૂર્ણ થશે
કંથારપુરા ખાતે તંત્ર દ્વારા કામગીરી શરૂ પણ કરી દેવામાં આવી છે. પ્રથમ ચરણમાં લગભગ એકથી સવા વર્ષના અંત સુધીમાં તમામ સુવિધાઓ સાથેનું અત્યાધુનિક બિલ્ડીંગ સાથેનું નયનરમ્ય પ્રવાસન સ્થળ તૈયાર થનાર છે. જેનાથી દહેગામ તાલુકનાં કંથારપુરા તેમજ નજીકના ગામોનો પણ વિકાસ થવાની શક્યતાઓ છે. હાલમાં પણ રવિવારે તેમજ જાહેર રજાના દિવસે રાજ્યભરના જુદા જુદા વિસ્તારોમાંથી લોકો કંથારપુરા વડ અને મહાકાળીના મંદિરનાં દર્શન માટે આવે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.