કાર્યવાહી:દહેગામમાં કુદરતી હાજતે બેઠેલા યુવાનને ઠપકો આપતા હુમલો

દહેગામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાકડીથી હુમલો કરનાર યુવાન સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

દહેગામની વર્ધમાન સ્કુલની સામે રહેતા એક પરિવારના મકાનની સામે જ ગુલદસ્તા વેચવા બેસતા યુવાનોમાંથી એક યુવાન ઘરની આગળ કુદરતી હાજતે બેઠો હતો. આથી મકાનની સામે કુદરતી હાજતે કેમ બેસે છે તેમ કહીને ઠપકો આપ્યો હતો. ઠપકાથી ઉશ્કેરાયેલા એક યુવાને લાકડી ફટકારી હતી. આથી મોંઢા ઉપર ઇજાઓ થતાં અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ મામલે ઇજાગ્રસ્તે ફરીયાદ આપતા દહેગામ પોલીસે ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

દહેગામના અમદાવાદ રોડ પર વર્ધમાન સ્કૂલ આગળ રહેતા મહેશભાઈ મણીભાઈ બારોટના ઘર આગળ છેલ્લા ત્રણેક દિવસથી ગુલદસ્તો વેચતા યુવાનો પૈકી એક યુવાન મહેશભાઈના ઘર આગળ કુદરતી હાજતે જવા બેઠો હતો. જેથી મહેશભાઈએ યુવાનને ઠપકો આપતા ગુલદસ્તા વેંચતા યુવાનોએ ઉશ્કેરાઇ જઈ ઝઘડો કર્યો હતો. આથી મહેશભાઈએ ફોન કરી તેમના ભાઈ દીપકભાઈને બોલાવ્યા હતા.

જ્યારે યુવાનો તેમના ભાઈને પણ જેમ ફાવે તેમ બોલતા હતા તે દરમિયાન આયુષ વિજયભાઈ દંતાણી નામના યુવકે ઉશ્કેરાઈ જઇ મહેશભાઈ બારોટને મોઢાના ભાગે લાકડી મારતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આથી તેઓને ઈમરજન્સી વાન 108 દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

ઈજા પામનાર મહેશભાઈના નાકનાં હાડકાના ભાગે ફ્રેક્ચર જણાતા તેઓને વધુ સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ અંગે મહેશભાઈએ દહેગામ પોલીસ મથકમાં માર મારનાર આયુષ દંતાણી સહિતના યુવાનો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.આ બનાવથી આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...