દુર્ઘટના:દહેગામ નજીક 2 બાઇક વચ્ચે અકસ્માત: મહિલાનું મોત

દહેગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધાર્મિક પ્રસંગમાંથી અમદાવાદ જતા હતા

જિલ્લાના દહેગામ તાલુકાના નવાનગર ખાતે ધાર્મિક પ્રસંગ પતાવીને બાઇક ઉપર પોણા બે વર્ષના પૂત્ર સાથે પરત અમદાવાદ જઇ રહ્યા હતા. તે દરમિયાન ધારીસણા રોડ તરફનાં વળાંકમાંથી પસાર થતાં અન્ય બાઇક ચાલકે ટક્કર મારતા બાઇકની પાછળ બેઠેલી મહિલા નીચે પડી જવાથી માથામાં ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવ અંગે બાઇક ચાલક વિરૂદ્ધ ગૂનો નોંધીને રખિયાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

નવાનગર ગામના મુળ વતની અને અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા મેહુલકુમાર ગણપતભાઇ વાઘેલા તેમના પત્ની મનીષાબેન અને પોણા બે વર્ષના પુત્ર આયુષ સાથે નવાનગર ખાતે ધાર્મિક પ્રસંગ પતાવી પરત બાઇક ઉપર પરત અમદાવાદ જવા નીકળ્યા હતા. તે સમયે નવાનગરથી ધારિસણા જતાં રોડ પર વળાંક પાસે અચાનક સામેથી આવી રહેલા બાઇકના ચાલકે ટક્કર મારતાં મેહુલભાઈ અને તેમના પત્ની મનીષાબેન નીચે પડી ગયા હતા.

જેમાં મેહુલભાઇને જમણા પગે ઈજા પહોંચી હતી જ્યારે મનીષાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમના નાક અને કાનમાંથી લોહી નીકળતું હતું. આ બનાવ બાદ ઇજાગ્રસ્ત મનીષાબેનને ઈમરજન્સી વાન 108 દ્વારા રખિયાલનાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...