દહેગામ બાયડ રોડ પર માતેલા સાંઢની જેમ દિવસ રાત દોડતા માલવાહક ભારે વાહનો છાશવારે અકસ્માતો સર્જી રહ્યા છે અને નિર્દોષ વ્યક્તિઓને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. ડમ્પર ચાલકો અહીંયા બેફામ ગતિથી દોડી રહ્યા છે. જેના કારણે તાલુકાના કડજાેદરા પાસે એક નિર્દોષ અને માત્ર 14 વર્ષીય સાઈકલ લઈને શાળાએથી ઘરે જતા વિદ્યાર્થીને બેફામ ગતિએ આવતા ડમ્પર ચાલકે કચડી નાખ્યો હતો.
જેના કારણે વિદ્યાર્થીએ ઘટનાસ્થળે દમ તોડી દીધો હતો અકસ્માત બાદ ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે રોષ વ્યક્ત કર્યો હતો તેમણે આ માર્ગ પરથી પસાર થઈ રહેલા પણ રોક્યા હતા અને પ્રજાનો મિજાજ પારખી કેટલાક ડમ્પર ચાલકો પોતાનું વાહન ઘટના સ્થળ પર મૂકીને નાસી છૂટ્યા હતા.બીજી તરફ રખિયાલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દહેગામ બાયડ હાઇવે પર ભગુજીના મુવાડા અને કડજાેદરા વચ્ચે કડજોદરા ખાતેની શાળાના ધોરણ નવ માં અભ્યાસ કરતો 14 વર્ષીય વરૂણસિંહ હિતેન્દ્રસિંહ (અજીતસિંહ) ઝાલા (ઉ.વ.14 ) બપોરે અઢી વાગ્યાના સુમારે સાઈકલ લઈને શાળાએથી ઘરે જવા નીકળ્યો હતો તેસમયે માતેલી સાંઢની જેમ પસાર થઈ રહેલા ડમ્પર ચાલકે વરૂણસિંહને ટક્કર મારી કચડી નાખ્યો હતો.
ડમ્પરના તોતિંગ ટાયર નીચે આવી જતા લોહીલુહાણ હાલતમાં ફંગોળાયો હતો અને ઘટનાસ્થળેજ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ . આ અકસ્માતની જાણ આસપાસના લોકો અને ગ્રામજનોને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. માસુમના મોતથી હોબાળો મચાવ્યો હતો.
દરમિયાન તે માર્ગ પરથી પસાર થઈ રહેલા અન્ય ડમ્પર ચાલકોને પણ રોકતા લોકોનો ગુસ્સો જોઈ કેટલાક ડમ્પર ચાલકો પોતાના વાહનો મૂકી નાસી ચૂક્યા હતા જીવલેણ અકસ્માત કર્યા બાદ ડમ્પરનો ચાલક પણ પોતાનું વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો.
આ અકસ્માતની જાણ રખિયાલ પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને મૃતક વિદ્યાર્થીની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી અકસ્માત કરનાર ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બેફામ દોડતાં વાહનોથી અકસ્માતની સંખ્યાવધારો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.