તસ્કરી:કડજોદરાની રૂદ્રા કોટેક્ષ કંપનીમાંથી રોકડા 10.87 લાખની ચોરી થઈ

દહેગામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 શખસ મોઢે કાળું કપડું બાંધી આવ્યા હતા
  • ફુટેજના​​​​​​​ આધારે પોલીસે કડી મેળવવા તપાસ હાથ ધરી

દહેગામ તાલુકાના કડજોદરા ગામે આવેલી રૂદ્રા કોટેક્ષ લિમિટેડ કંપનીમાં ગત મોડી રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ કંપનીની એમડી, ડાયરેક્ટર, અને એકાઉન્ટ રૂમની ઓફિસમાં પ્રવેશ કરી તેના કબાટના ડ્રોઅરમાં રખાયેલી રૂપિયા 10,87,813 ની રોકડ રકમની ચોરી કરી નાસી છૂટયા હોવાનો બનાવ બનતા આ ચોરી અંગે રખિયાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ તાલુકાના કડજોદરા ખાતે રૂદ્રા કોટેક્ષ લિમિટેડ નામની કંપની આવેલી છે. જે કંપનીમાં ગત રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. તેઓ કંપનીના એડમિનિસ્ટ્રેટિવ વિભાગના ખૂણામાં આવેલી ઓફીસની બારીના સળિયા તોડી એમડી, ડાયરેક્ટર,અને એકાઉન્ટ રૂમમાં પણ પ્રવેશ કર્યો હતો. જ્યાં ઓફિસના ઇન્ટરલોક તોડી નાખી જુદી-જુદી ઓફીસના ટેબલમાં રખાયેલા રૂપિયા 10,87,813 રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

સવારે કંપનીમાં નોકરી કરતો સ્ટાફ આવી પહોંચતા તેમને ચોરી થઇ હોવાનું જણાતા ચોરી અંગે રખિયાલ પોલીસને જાણ કરાતા રખિયાલના ઈન્ચાર્જ પીએસઆઇ વી.બી.રહેવર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરા તપાસતા ત્રણ શખ્સો મોઢે કાળું કપડું બાંધી ઓફિસમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હોવાનું જણાયુ હતું. આ ચોરી અંગે કંપનીના એચ.આર મેનેજર નિતીન પ્રેમચંદ જૈને રખિયાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...