તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:સલામત રાખવા રસોડાના કબાટમાં મૂકેલા 10 લાખ અને દાગીના તસ્કરો ચોરી ગયા

દહેગામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દહેગામના ભરચક બારોટવાડાના વેપારી અમદાવાદ રહેવા ગયા હતા
  • 20 દિવસ પહેલાં બૅન્કમાંથી 10 લાખ સાથે 2.99 લાખનાં ઘરેણાં ચોરાયાં

શહેરના ભરચક વિસ્તાર બારોટવાડાના રહેતા અને અમદાવાદમાં ડ્રેસ મટિરિયલના હોલસેલ વેપારીના બંધ મકાનમાંથી રોકડા રૂ. 10 લાખ અને રૂ. 2.99 લાખના સોના-ચાંદીના દાગના મળી કુલ રૂ. 12.99 લાખની મતાની ચોરી થઈ હતી. વેપારી પરિવાર સાથે અમદાવાદ ખાતેના મકાનમાં રહેવા ગયા ત્યારે તસ્કરોએ ચોરી કરી હતી. મહત્ત્વનું છે કે વેપારીએ રોકડ રકમ અને દાગીના સલામત રહે તે માટે રસોડાના કબાટમાં મૂક્યા હતા અને તસ્કરો એ મતા ચોરી ગયા હતા. વેપારીએ ચોરી અંગેની ફરિયાદ નોંધાવતાં દહેગામ પોલીસે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શહેરના ભરચક વિસ્તારમાં બનેલી ચોરીની ઘટનાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર બારોટવાડા વિસ્તારમાં સરકારી દવાખાનાની બાજુમાં રહેતા સાવનભાઈ ચેતનકુમાર બારોટ અમદાવાદના પાંચકૂવા ખાતે ડ્રેસ મટિરિયલ અને કુર્તીનો હોલસેલ વેપાર કરે છે. તેઓ માતા અને બહેન સાથે 19 નવેમ્બરે અમદાવાદના ચાંદખેડા ખાતેના તેમના બીજા મકાનમાં રહેવા ગયા હતા. બાદમાં તા. 21મીએ ગૅસનો બાટલો લેવા પરત દહેગામ આવ્યા હતા. તે સમયે ઘરમાં બધું બરાબર હતું. મંગળવારે ઘરની બારીઓ અને દરવાજા ખુલ્લા જણાતાં મકાનના ઉપરના માળે રહેતા ભાડૂતે સાવનભાઈને ચોરી થઈ હોવાની જાણ કરી હતી. સાવનભાઈ માતા મીનાબહેન સાથે દહેગામ દોડી આવ્યા હતા. ઘરે આવીને જોયું તો ઘરનો તમામ સામાન વેરવિખેર હતો. વીસેક દિવસ અગાઉ બૅન્કમાંથી ધંધાર્થે લવાયેલા રૂ. 10 લાખ તેમણે રસોડામાં બનાવેલા કબાટમાં સલામત રહેશે તેવી આશાએ સ્ટીલના ડબ્બામાં મૂક્યા હતા. ઉપરાંત, ડ્રોઅર મૂકેલા રૂ. 2.99 લાખની કિંમતના દાગીનાની ચોરી થયાનું જણાયું હતું.

સાવનભાઈના મકાનમાં આગળ અને પાછળ, બંને તરફના દરવાજાનાં તાળાં તસ્કરોએ તોડી નાખ્યાં હતાં. આ અંગે તેમણે દહેગામ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી ચોરીની ફરિયાદ દાખલ કરી ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ અને ડૉગ સ્ક્વૉડની મદદથી ગુનો ઉકેલવાનો ધમધમાટ શરૂ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...