ટોક ઓફ ધી ટાઉન:ખંભાળિયામાં છરીની અણીએ યુવાન લૂંટાયો, આતંક સર્જનારા 2ની ધરપકડ

ખંભાળિયા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લૂંટ કરીને ધમકી આપી હોવાનો વીડિયો વાયરલ થતા શહેરમાં ચકચાર મચી હતી
  • રીક્ષામાંથી ઉતરવાનું કહ્યાનુ મનદુ:ખ રાખી માર માર્યો: ફરિયાદ

દેવભૂમિ જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા શહેરમાં છરીની અણીએ લૂંટ કરી મારી નાંખવાની ધમકી આપવાના મામલે બે શખસો સામે ગુનો નોંધાયો છે. આ સરાજાહેર બનેલા બનાવનો વિડિયો વાયરલ થતાં ભારે ચકચાર જાગી હતી.પોલીસે ગુનો નોંધી જાહેરમાં છરી લઈને ભયનું વાતાવરણ સર્જતાં યુવાન તથા તેના મદદગારને પકડી પાડયા હતા.

પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળીયા તાલુકાના કુબેર વિસોત્રી ગામે રહેતા અર્જુનસિંહ હિતેન્દ્રસિંહ જાડેજા તથા સાહેદ જુગલભાઈની રીક્ષા રાખી નાસ્તો કરવા માટે ગયા હતા જે બાદ તેઓ બધા નાસ્તો કરી પરત તેમની રીક્ષા પાસે આવતા તે વેળાએ આ રિક્ષામાં કૈલાશ બાવાજી તથા સાજીદ સમાં નામના બે આરોપીઓ બેઠા હતા.

આથી ફરિયાદી અર્જુનસિંહ અને સાહેદ જુગલભાઈએ રીક્ષા લઈ જવી હોવાથી ઉપરોક્ત આરોપીને રિક્ષામાંથી નીચે ઉતરવાનું કહેતા આરોપીઓ આ વાતનું મનદુઃખ રાખી ફરિયાદી અર્જુનસિંહ તથા સાહેદોને બેફામ ગાળો ભાંડી હતી. એટલું જ નહિ આરોપી સાજીદએ અર્જુનસિંહને તમાચો મારી બાદમાં આરોપી કૈલાશએ છરી વડે અર્જુનસિંહને ડાબા હાથના ભાગે મારી શર્ટનો કાંઠલો પકડી ગળા પર છરી રાખી મોતનો ભય બતાવી અર્જુનસિંહના ખિસ્સામાંથી આશરે સતરસો રૂપિયા કાઢી લઈ લૂંટ કરી હતી.

વધુમાં ઉપરોક્ત બન્ને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર મામલે ફરિયાદી અર્જુનસિંહએ ઉપરોક્ત આરોપીઓ સામે ખંભાળીયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ગુન્હો નોંધ્યો છે.

સીન જમાવતા તત્વો પર કડક પગલા લેવાશે: જિલ્લા પોલીસવડા
ખંભાળીયામાં રાત્રે નગરગેઇટ પાસે, વિજય સિનેમા રોડ, તેલી નદી, સ્ટેશન રોડ સહિતના સ્થળો પર પણ લુખ્ખા લોકો ક્યારેક દારૂ પીને તોફાન કરતા હોય તથા ભયનું વાતાવરણ સર્જતાં હોય આ બાબતની ફરિયાદો પણ પોલીસવડાને મળતા તેમણે કાર્યવાહી કરીને સીન જમાવવા માંગતા લુખ્ખા તત્વોના સીન વિખી નાખવા આદેશ પણ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...