દ્વારકા ક્રાઈમ ન્યૂઝ:ખંભાળિયા નજીક પૂરપાટ જતી કારની અડફેટે યુવાનનું મૃત્યુ; વીજ કરંટ લાગતા ભોગાતના યુવાનનું અપમૃત્યુ...

દ્વારકા ખંભાળિયા2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગમ્ખવાર અકસ્માતમાં બાઈક સવારનું મોત
ખંભાળિયા તાલુકાના હંસ્થળ ગામે રહેતા ભીખુરામ વીરદાસ ગોંડલીયા નામના 49 વર્ષના યુવાન સોમવારે રાત્રિના આશરે 8:30 વાગ્યાના સમયે તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે ખંભાળિયાથી આશરે દસ કિલોમીટર દૂર હંસ્થળ ગામના પાટીયા પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી મોટરકારનાચાલકે ભીખુરામભાઈ ગોંડલીયાના મોટરસાયકલ સાથે અકસ્માત સર્જ્યો હતો.

આ જીવલેણ ટક્કરમાં બાઈક ચાલક ભીખુરામભાઈનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમની મોટરસાયકલની પાછળ બેઠેલા ઉકાભાઇ ભરવાડને પણ ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે મૃતકના નાનાભાઈ પ્રવિણદાસ વીરદાસ ગોંડલીયાએ ફરિયાદ કરી હતી જે પરથી ખંભાળિયા પોલીસે મોટરકારના ચાલક સામે આઇ.પી.સી. કલમ 304 (અ), 279, 337, 338, તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વીજ કરંટ લાગતા ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો
કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા દીપકભાઈ પોપટભાઈ ઘેડિયા નામના 37 વર્ષના પ્રજાપતિ યુવાન ગઈકાલે બુધવારે રાત્રિના સમયે સતાપર ગામના પાટીયા પાસે પડતર જમીનમાં આવેલી વીજ લાઈનમાં વીજ રીપેરીંગ કામ કરી રહ્યા હતા. ત્યારે તેમને વીજળીનો જોરદાર કરંટ લાગતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના મોટાભાઈ રવિન્દ્રભાઈ પોપટભાઈ ઘેડીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.

પિતા-પુત્રીને ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી મળી
દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા ભારાભાઈ પેથાભાઈ લધા નામના 55 વર્ષના અનુસૂચિત જાતિના પ્રૌઢની પુત્રી તેમના ઘરની બહાર એઠવાડ નાખવા માટે ગઈ હતી. ત્યારે આ સ્થળે ઊભેલા જીવણભાઈ વાઘેર નામના શખ્સ દ્વારાને તેણીએ સાઈડમાં ઊભા રહેવાનું કહેતા, ઉશ્કેરાઈ ગયેલા ઉપરોક્ત શખ્સે યુવતીને પેટમાં પાટુ મારી, ઈજાઓ પહોંચાડી હતી.

આટલું જ નહીં, અહીં આવેલા ફરિયાદી ભારાભાઈ પેથાભાઈને આરોપીએ બિભત્સ ગાળો કાઢી, લાકડાનો ધોકો ફટકારી દીધો હતો. આમ, પિતા-પુત્રીને બિભત્સ ગાળો કાઢી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા આ સમગ્ર બનાવવા અંગે દ્વારકા પોલીસ મથકમાં જીવણભાઈ વાઘેર સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ ઉપરાંત એટ્રોસિટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં આગળની તપાસ એસ.સી.એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. સમીર સારડા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...