ભાણવડ તાલુકાના ગુંદા ગામે રહેતા હરેશ ઉર્ફે હરિયો કાંતિલાલ પાડલીયા નામના 45 વર્ષના યુવાનને પોલીસે મોબાઈલ ફોનમાં વરલી મટકાના આંકડા વડે જુગાર રમતા કુલ રૂ. 14,240 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, જુગારાધરાની કલમ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા ઘનશ્યામસિંહ બચુભા જાડેજા નામના શખ્સને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો. ભરાણા ગામના હંસાબા કિશોરસિંહ જાડેજાના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂપિયા 80 ની કિંમતનો ચાર લીટર દેશી દારૂ કબજે કર્યો હતો.
ખંભાળિયા તાલુકાના લલિયા ગામે રહેતા ખેંગાર દેવા ધારાણીની વાડીએ પોલીસે દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી દારૂ બનાવવાનો 50 લિટર આથો કબજે કર્યો હતો. જોકે આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો.
ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે રહેતા સાજા માણસુર બુચડ નામના શખ્સની વાડીના શેઢેથી પોલીસે 50 લીટર દેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. આ પ્રકરણમાં આરોપી ફરાર જાહેર થયો હતો.
ખંભાળિયાના વિજય સિનેમા પાસેથી ટ્રાફિક પોલીસે ટ્રાફિકને નડતરરૂપ શાકભાજીની લારીઓ રાખવા બદલ શુભમ રમેશભાઈ મકવાણા (ઉ.વ. 25) અને ચંદુભાઈ બાબુભાઈ મકવાણા (ઉ.વ. 38) નામના બે આસામીઓ સામે કલમ 283 હેઠળ કાર્યવાહી કરી હતી.
પોલીસ તંત્ર દ્વારા લુખ્ખા બાઈક ચાલકો સામે કાર્યવાહી
ખંભાળિયાના પોસ વિસ્તારોમાં બેફામ બાઇક ચાલકો સંદર્ભે શહેરમાં ઉગ્ર રોષની લાગણી પ્રસરી જવા પામી હતી. ખાસ કરીને અહીંના રામનાથ સોસાયટી વિસ્તારમાં ધૂમ સ્ટાઇલમાં નીકળતા બુલેટ ચાલકો અને તેમાંથી ફાયરિંગ જેવા અવાજો કાઢતા બાઈકર્સ સામે સ્થાનિક રહીશો દ્વારા તાજેતરમાં જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરવામાં આવી હતી.
જેના અનુસંધાને સફાળી જાગેલી ખંભાળિયા પોલીસે ગઈકાલે બુધવારે આવા બાઈક ચાલકો સામે કામગીરી કરી હતી. જેમાં પાંચ બુલેટ ચાલકો તથા અન્ય મોટર સાયકલને ડીટેઇન કરી અને ધોરણસર કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.