ખંભાળિયામાં નગરપાલિકા સંચાલિત યોગ કેન્દ્ર ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. અંતર્ગત મહિલા જાગૃતિ શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ ભાવના પરમાર અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલી આ શિબિરમાં ભાવનાબેન દ્વારા તમામ બહેનો સાથે રંગ-ગુલાલ લગાવીને હોળી-ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાયદાકીય જાગૃતિ શિબિરમાં મદદનીશ સરકારી વકીલ અલ્પેશ પરમાર દ્વારા ઘરેલું હિસા અધિનિયમ વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં કાયદાઓની જોગવાઇઓ તથા કલમ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ શિબીરમાં સરકારી વકીલ દ્વારા કાયદાના ઇતિહાસથી લઈને હાલ થતા ઘરેલુ હિંસાના કાયદામાં થયેલા સુધારા અંગેની વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.
આ ઉપરાંત સમગ્ર દેશમાં થઈ રહેલા ઘરેલુ હિંસાના બનાવ ઘરેલુ હિંસાના અનેક ઉદાહરણો આપી મહિલાઓ ઉપર થતી ઘરેલુ હિંસાથી પોતાને કઈ રીતે સુરક્ષીત રાખી શકાય તેની વિસ્તૃત માહીતી આપવામાં આવી હતી. જો કોઇ મહિલા ઘરેલુ હિંસા ભોગ બને તો તેમણે શું પગલા લેવા તે અંગે સાવિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા ગ્રામ વિકાસ એજ્ન્સી દ્વારા મહિલા સ્વરોજગાર તથા સ્વાવલંબન માટે કાર્યરત સખી મંડળ તથા કચેરીની અન્ય મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા મહિલાઓના આરોગ્ય સુખાકારી અને મેન્સ્ટ્રુઅલ હાયજીન અવેરનેસના મહત્વ બાબત પર ડો. પ્રિતીબેન સોનૈયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
દહેજ પ્રતિબંધક અધિકારી અધિકારી પ્રફુલ જાદવ દ્વારા કાર્યક્રમની રૂપરેખા અને પ્રાસંગિક ઉદ્દબોધન કરી, માહિતી આપેલ.મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર, 181 અભયમ મહિલા હેલ્પ લાઇન, પોલીસ બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર ઘરેલુ હિંસાનો ભોગ બનનારને કેવી રીતે મદદરૂપ થાય છે. તે અંગે સદર યોજનાના કર્મચારીઓ દ્વારા માહિતી પુરી પાડવામાં આવી હતી. ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના હેઠળ પુન:લગ્ન કરેલા દંપતીને મંજૂરી હુકમ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા આસિસટન્ટ પ્રોજેકટ મેનેજર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી, પાલિકા પ્રમુખ, કારોબારી સમિતિ, ખંભાળિયા આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર, મેડીકલ ઓફિસર વિગેરે સાથે મહિલાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.