દર વર્ષે લાખો યાત્રિકો શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે બેટ-દ્વારકા આવે છે. જે તમામ યાત્રિકોએ પોતાના વાહનો ઓખા પેસેન્જર જેટી પાસે જીએમબીના પાર્કિંગ પ્લોટમાં રાખવાના હોય છે,અને ત્યારબાદ બોટમાં બેસીને બેટ-દ્વારકા દર્શન કરવા માટે જવાનું હોય છે. નાતાલનું વેકેશન હોય હજારો લોકો પોતાના વાહનો લઈને બેટ દ્વારકા જાય ત્યારે પાર્કિંગ પ્લોટમાં વાહનોનું પાર્કિંગ કરે છે. જયારે સ્થાનિક પ્રતિનિધિએ ગત સોમવારે સાંજે છ વાગ્યે તપાસ કરતા મોટી સંખ્યામાં વાહનો આવવા છતાં માત્ર 45 પહોંચ પાર્કિંગ ચાર્જ માટે અપાયેલી હતી.
જે પહોંચ આપવામાં આવેલ હતી તેની ઓફિસ કોપીમાં વાહનના નંબર કે વાહનનો પ્રકાર લખેલ ન હતો. ત્યારે નોંધપાત્ર સંખ્યામાં વાહનોના પાર્કિંગમાં માત્ર 45 પહોંચ જ અપાયેલ, તો બાકીના વાહનોનું પાર્કિંગ ચાર્જ ક્યાં ગયું? જયારે સલામતી અને સુરક્ષા બાબતે જોવા જઈએ તો આપેલી 45 પહોંચ ની ઓફિસ કોપીમાં વાહનોના નંબર પણ લખેલા નથી.
વર્ષોથી ચાલતી આ લાલિયાવાડી અંગે GMB ઓખા ખાતે અનેક વખત ફરિયાદો થયેલી છે પરંતુ અમુક પેધી ગયેલા લોકોના હિસાબે ક્યાંક કથિત ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હોવાની ચર્ચા ઉઠી છે.જયારે કથિત ભ્રષ્ટાચાર અલગ મુદ્દો છે પરંતુ પાર્ક વાહનોના નંબર લખવા સુરક્ષા અને સલામતી માટે પણ જરૂરી છે કારણ કે ગુજરાત મેરીટાઇમ બોર્ડ પેસેન્જર જેટી એ કે પાર્કિંગ પ્લોટમાં ક્યાંય સીસીટીવી કેમેરા મુકેલ નથી.જો જીએમબી દ્રારા ઉચ્ચ કક્ષાથી તપાસ કરવામાં આવે તો ગોબાચારી સામે આવે એવુ જાણકાર વર્તુળો ઉચ્ચારી રહયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.