સેવા સદન તરફના માર્ગને ડામર રોડ કરવા માગ
ખંભાળિયા શહેર દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક છે. અત્રે ધરમપુર વિસ્તારમાં જિલ્લા કક્ષાની કલેકટર, જિલ્લા પંચાયત તથા પોલીસ અધિક્ષકની કચેરી કાર્યરત છે. લાલપુર બાયપાસ રોડ નજીક આવેલી જિલ્લાની કચેરીઓ ખાતે પહોંચવા જામનગર હાઈ-વે પરથી સ્થાનિકો તથા અહીંના વાહન ચાલકોને વધુ અંતર સાથે ટ્રાફિક સહિતની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે અહીંના ધરમપુર વિસ્તારમાંથી પસાર થતો અન્ય એક વૈકલ્પિક રસ્તો આ કચેરીએ જવા ઈચ્છતા લોકો માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની શકે છે. ટ્રાફિક વગરના અને શોર્ટકટ એવા આ કાચા રસ્તાને ડામર રોડથી મઢવા નાગરિક સમિતિના ડૉ. એચ.એન. પડિયા તથા ડૉ. તુષાર ગોસ્વામી દ્વારા તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જો આ રસ્તો બનાવવામાં આવે તો જામનગર રોડ પર અવારનવાર બંધ રહેતા ફાટક તથા ટ્રાફિકથી વાહન ચાલકો તથા ખાસ કરીને ઇમર્જન્સીમાં એમ્બ્યુલન્સને ભારે રાહત બની રહે.
ઘી ડેમ નજીક તૂટેલા પુલ સહિતના પ્રશ્ને સ્થાનિકો દ્વારા રજૂઆત
ખંભાળિયા શહેરની પાદરમાં આવેલા ધી ડેમ તરફ જતો રસ્તો ખૂબ જ જર્જરિત હોવા ઉપરાંત ડેમ નજીકનો પુલ તૂટેલો હોવાથી આ મુદ્દે સરકારી તંત્રને અહીંના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આ વિસ્તારમાં આવન-જાવન કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આટલું જ નહીં, ડેમ પાસેનો પુલ ઘણા વર્ષ પહેલાં ભારે પુરના કારણે તૂટી જતા ઘી ડેમમાંથી નીકળતા પાણીમાંથી લોકોને પસાર થઈને જવું પડે છે. જ્યારે ચોમાસામાં તો આ રસ્તો પુલના અભાવે બંધ થઈ જાય છે. ત્યારે સ્થાનિક આગેવાનો, કાર્યકરો દ્વારા સંબંધિત તંત્રને રજૂઆત કરવામાં આવી છે.
વેરા વસુલાત માટે પાલિકા તંત્રની કામગીરી: નળ જોડાણો કપાયા
ખંભાળિયા શહેરમાં લાખો રૂપિયાની બાકી વેરા વસુલાત માટે નગરપાલિકા તંત્ર હવે કમર કસી રહ્યું છે. કરવેરાના બાકીદારોને આપવામાં આવેલી નોટિસો વચ્ચે આવી નોટીસોને અવગણતા આસામીઓ સામે પાલિકા તંત્રએ કડક વલણ અખત્યાર કરી, આજરોજ અહીંના નવાપરા વિસ્તારમાં આઠ જેટલા આસામીઓના નળ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા. નગરપાલિકાના ચીફ ઓફિસરની સૂચના મુજબ આ સમગ્ર કાર્યવાહી પાલિકાના સિનિયર કર્મચારી કીર્તિભાઈ ભટ્ટ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેનાર હોવાનું જાણવા મળ્યું છે.
શહેરમાં ભુગર્ભ ગટર યોજના ચાલુ કરવા સત્તાધિશોને રજૂઆત
ખંભાળિયા શહેરમાં હાલ નાની-મોટી તથા અણઘડ અને ખુલ્લી ગટરો દુર્ગંધ તથા ગંદકીનું ઘર બની રહી છે. ત્યારે શહેરમાં આશરે એક દાયકા પૂર્વે બનાવવામાં આવેલી ભૂગર્ભ ગટર યોજના કે જેનું ટેસ્ટિંગ પણ થયું નથી, તેથી સંપૂર્ણ પણે આ યોજના હાલ બિનઉપયોગી સાબિત થઈ રહી છે. ત્યારે શહેરમાં ભુગર્ભ ગટર યોજના ચાલુ થાય તે માટે પાલિકાના સતાવાહકો દ્વારા મુખ્યમંત્રી, ધારાસભ્ય તથા પ્રભારી મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ખંભાળિયા શહેરમાં વર્ષો પૂર્વે આશરે રૂપિયા 42 કરોડના ખર્ચે ભુગર્ભ ગટર યોજના મંજુર કરવામાં આવી હતી. આ યોજનાનું કામ એક ખાનગી કંપનીને આપવામાં આવ્યા બાદ આ કામગીરી બીજા, ત્રીજા કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતા આ કામ અત્યંત નબળું થવા પામ્યું હતું. નગરપાલિકા દ્વારા આ યોજના અંગે જો ટેસ્ટિંગ કરી અને સંપૂર્ણપણે ચાલુ હોય તો જ સંભાળવાની તૈયારી દર્શાવવામાં આવી હતી, પરંતુ યોજનાનું ટેસ્ટિંગ ન થતાં હાલ નગરપાલિકાએ આ ભૂગર્ભ ગટર યોજના સંભાળી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.