દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં સરકારના આદેશ મુજબ જિલ્લા પોલીસ વડા દ્વારા બેફામ રીતે પઠાણી વ્યાજ વસૂલતા શખ્સો સામે અવાજ ઉઠાવવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી. ત્યારબાદ ગઈકાલે રવિવારે વ્યાજખોરો અંગેની ત્રીજી ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જેમાં ડ્રાઇવિંગ કામ કરતા એક વિપ્ર યુવાન પાસેથી 10 ટકા જેટલું વ્યાજ વસૂલ કર્યા પછી પણ ધાક-ધમકી આપવા બાબતે બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા હસમુખ સવજી જોશી નામના 35 વર્ષના યુવાને દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ કરી છે કે આજથી આશરે પાંચેક વર્ષ પૂર્વે તેમને પૈસાની જરૂરિયાત હોય, દ્વારકાના બિરલા પ્લોટ વિસ્તારમાં રહેતા યોગેશ વિઠલાણી પાસેથી રૂપિયા 30,000 વ્યાજે લીધા હતા. તેના બદલે તેમણે સતત દોઢ વર્ષ સુધી માસિક રૂ. 3,000 લેખે 54 હજાર રૂપિયા ચૂકવ્યા હતા.
દસ ટકા વ્યાજ ચૂકવ્યા પછી ફરિયાદી હસમુખે યોગેશને 10-10 હજારના ત્રણ હપ્તા ભરી અને રૂપિયા 30,000 ની મુદ્દલ ચૂકવી દીધી હતી. આ પછી પુનઃ તેમને જરૂરિયાત જણાતા યોગેશ પાસેથી રૂપિયા 55,000 વ્યાજે લીધા હતા. તેની સામે તેમણે 10 ટકા લેખે રૂપિયા 66,000 ની રકમ એક વર્ષ દરમિયાન ચૂકવી હતી.
તેમ છતાં પણ હજુ યોગેશે ફરિયાદી હસમુખ પાસેથી વધુ વ્યાજ અને રૂપિયાની માંગણી કરતા ફરિયાદીએ તેમને વધુ રૂપિયા આપવાની ના કહેતા યોગેશે હસમુખ પાસેથી પૈસા કઢાવવા માટે તેમના પરિવારને હેરાન-પરેશાન કરી અને દબાણ કરવામાં આવતું હતું.
ત્યારબાદ દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા પાસે રહેતા સલીમ રહીમ મલેક નામના એક શખ્સ પાસેથી હસમુખે રૂપિયા 40,000 લીધા હતા. જેનું પણ તેઓ પ્રતિમાસ 10 ટકા લેખે રૂ. 4,000 વ્યાજ ચૂકવતા હતા. તેમ છતાં પણ આરોપી સલીમ વધુ વ્યાજની માંગણી કરતો હોય અને બળજબરીપૂર્વક વધુ વ્યાજ કઢાવવા માટે દબાણ કરતો હોય, ઉપરોક્ત બંને શખ્સો સામે દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
દ્વારકા પોલીસે યોગેશ વિઠલાણી તથા સલીમ રહીમ મલેક સામે આઈપીસી કલમ 384 તથા ધ મની લેન્ડર્સ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.એસ.આઈ. એ.એલ. બારશીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.