વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ પક્ષના નેતાઓ પોતાની સરકાર બનાવવા માટે ગામડે ગામડે ફરીને પ્રચારમાં લાગી ગયા છે. રાજકીય ગરમાગરમીમાં એકબીજા પક્ષ પર આક્ષેપ કરવા તે કંઈ નવી વાત નથી. જોકે રાજકારણમાં કોઈ કોઈનું કાયમી દુશ્મન નથી, એવાં દૃશ્યો ખંભાળિયા બેઠક પરથી સામે આવ્યાં છે. કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમે એક જાહેર સભામાં આમ આદમી પાર્ટીના પોતાના હરીફ ઉમેદવાર ઈસુદાન ગઢવીના પેટ ભરીને વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે 'ભાજપે ઈસુદાન પર ખોટા આક્ષેપો કર્યા છે, ગઢવીનો દીકરો કર્યારેય કોઈ બહેન-દીકરીની આબરૂ લૂંટવા ન જાય.' મહત્ત્વનું છે કે સમગ્ર ગુજરાતમાં અને ખાસ સૌરાષ્ટ્રમાં આહીરો ગઢવીઓને ભાણેજ કહે છે. વિક્રમ માડમે ઈસુદાનનાં વખાણ કરતાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે 'મામા-ભાણેજ'ની આ ગજબની રાજનીતિ છે'
લોકો ઈસુદાનને જિતાડશે તો ખભે બેસાડીશું: વિક્રમ માડમ
વિક્રમ માડમે જાહેરમાં કહ્યું હતું કે 'ઈસુદાન મારો હરીફ ઉમેદવાર છે, પરંતુ લોકો ઈસુદાનને મત આપીને જિતાડશે તો તેને ખભે બેસાડીને આપણે તેને અભિનંદન પાઠવીશું. મત કોને આપવો એ જનતાનો અધિકાર છે. ગઢવીનો દીકરો ભાજપના કાર્યાલયમાં 100 લોકોને લઈને જાય, તેના પર એવો આક્ષેપ કરે કે મા-બહેનની ઈજ્જત લૂંટવા ગયો હતો? અરે... શરમની વાત છે. ગઢવીનો દીકરો કોઈ દિવસ કોઈ મા-બહેન, દીકરીની આબરૂ લૂંટવા ન જાય. જોકે ઇસુદાન ભાજપ કાર્યાલયમાં તોડફોડ કરવા આવ્યો હતો એવો કેસ કર્યો હોત તો મને વાંધો નહોતો, પણ આ ખોટી વાત છે.'
દ્વારકા જિલ્લાની 2 બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે
વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબજે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે દ્વારકા જિલ્લાની 2 બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે.
ઈસુદાન ગઢવી અને વિક્રમ માડમ સામ-સામે
દ્વારકા જિલ્લાની બે બેઠક પૈકી દ્વારકા બેઠકમાં ભાજપ તરફથી ઉમેદવાર સતત સાત ટર્મથી જીતતા પબુભા માણેક છે. કોંગ્રેસનો ઉમેદવાર મુળુભાઈ કંડોરિયા, જ્યારે આમ આદમી પાર્ટીએ નકુમ લખમણભાઈને મેદાને ઉતાર્યા છે. આ ઉપરાંત ખંભાળિયામાં કોંગ્રેસે સીટિંગ ધારાસભ્ય વિક્રમ માડમને ફરી ટિકિટ આપી છે. જ્યારે ભાજપે પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીપદના દાવેદાર ઈસુદાન ગઢવીને અહીંથી મેદાનમાં ઉતાર્યા છે.
સુરતમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ગળે મળ્યા હતા
મહત્ત્વનું છે કે સોમવારે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામસામે આવી ગયા હતા. ઉમેદવારી ભરવાના છેલ્લા દિવસે મજૂરા વિધાનસભાના ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી અને કોંગ્રેસના ઉમેદવાર બળવંત ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. જોકે બંને ઉમેદવાર પોતાની રેલી કાઢી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા ત્યારે આ બંને સામસામે આવી ગયા હતા. ત્યારે આ વખતે એકબીજા સામે નારાબાજી નહીં, પરંતુ બંને ઉમેદવારો એકબીજાને ગળે મળ્યા હતા અને એકબીજાને શુભેચ્છા આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.